હોકી વિશ્વકપઃ પાકિસ્તાની કેપ્ટને કહ્યું- ભારતમાં મેચ નહીં, દિલ પણ જીતશું
ચાર વર્ષ પહેલા ભુવનેશ્વરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓએ દર્શકોને અભદ્ર ઈશારા કર્યા હતા.
નવી દિલ્હીઃ પાકિસ્તાની હોકી ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન સીનિયરે કહ્યું કે, તેની ટીમ આ વખતે મેચ નહીં પરંતુ દિલ જીતવાના ઈરાદા સાથે પણ રમશે. હોકી વિશ્વ કપ ભુવનેશ્વરમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રમાવાનો છે. પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી-204 બાદ પ્રથમવાર ભારતમાં કોઈ હોકી ટૂર્નામેન્ટ રમશે. ભારત 2010માં હોકી વિશ્વકપની યજમાની કરી ચુક્યું છે.
ચાર વર્ષ પહેલા ભુવનેશ્વરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓએ દર્શકોને અભદ્ર ઈશારા કર્યા હતા. ત્યારબાદ બંન્ને દેશોના દ્વિપક્ષીય હોકી સંબંધોમાં ખટાસ આવી હતી. ત્યારબાદ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને પાકિસ્તાનના બે ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો. પાકિસ્તાનના હાલના કેપ્ટન રિઝવાન સીનિયરે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.
ભુવનેશ્વર અમારા માટે લકી છે
રિઝવાને લાહોરથી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જે ચાર વર્ષ પહેલા થયું, તે ન થવું જોઈએ. ત્યારે કેટલાક ખેલાડીઓ ભાવનાઓમાં વહી ગયા, પરંતુ આ પૂર્વ નિયોજીત ન હતું. આ વખતે અમે ટીમને કહ્યું કે, દર્શકો તરફ ધ્યાન આપવાનું નથી. ભુવનેશ્વરમાં સ્ટેડિયમ ખચાખચ ભરેલું હશે પરંતુ અમારે રમત પર ધ્યાન આપવાનું છે. તેણે કહ્યું, ભુવનેશ્વર આમ પણ અમારા માટે લકી રહ્યું છે. જ્યાં અમે ભારતને હરાવ્યું છે. આમ પણ ઘરઆંગણે રમવાનો દબાવ ભારત પર હશે, અમારા પર નહીં. અમે રમતની સાથે આ વખતે દિલ પણ જીતીને આવશું.
2014 વિશ્વકપમાંથી બહાર હતું પાકિસ્તાન
પાકિસ્તાન 2014ના વિશ્વકપમાં ક્વોલિફાઇ કરી શક્યું ન હતું. તે દિલ્હીમાં 2010માં રમાયેલા વિશ્વકપમાં છેલ્લા સ્થાને રહ્યું હતું. તે ટીમના સભ્ય રહેલા રિઝવાને કહ્યું કે, આ વખતે વૈજ્ઞાનિક રીતે તૈયારી કરવામાં આવી છે અને સારા પ્રદર્શનમાં વિશ્વાસ છે. તેણે કહ્યું, અમે 2010માં જરૂરીયાત કરતા વધુ તૈયારી કરી હતી અને સમય પર સારૂ પ્રદર્શન ન કરી શક્યા કારણ કે થાક હાવી થઈ ગયો હતો. આ વખતે તૈયારી વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે અને અમને વિશ્વાસ છે કે સારૂ પ્રદર્શન કરીશું.
જર્મની અને નેધરલેન્ડના ગ્રુપમાં છે પાકિસ્તાન
પાકિસ્તાન વિશ્વકપમાં પૂલ ડીમાં છે, જેમાં જર્મની અને નેધરલેન્ડ જેવી મજબૂત ટીમો છે. પરંતુ પાકિસ્તાની કેપ્ટને કહ્યું કે, આવી ટૂર્નામેન્ટમાં કોઈ અટકળ ન લગાવી શકાય અને કોઈપણ ટીમ અપસેટ સર્જી શકે છે. તેણે કહ્યું, આજકાલ કોઈપણ ટીમ કોઈપણ ટીમને હરાવી શકે છે, જેથી મેચના દિવસે પ્રદર્શન પર નિર્ભર રહેશે. અમારી પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે અને તેને ખ્યાલ છે કે, આ ટૂર્નામેન્ટમાં અમારૂ ઘણું બધુ દાવ પર લાગ્યું છે.
કહ્યું- હું પંજાબમાં મારા પૂર્વજોના ગામમાં જવા ઈચ્છું છું
ભારતમાં વિશ્વકપ સિવાય સમય મળશે તો શું કરવા ઈચ્છશો? આ પૂછવા પર તેણે કહ્યું, હું પંજાબમાં મારા પૂર્વજોના ગામ જવા ઈચ્છું છું. મારા દાદીની ઈચ્છા હતી કે હું ત્યાં જાઉં. આ રીતે દરેક ખેલાડીઓને કોઈને કોઈ ઈચ્છા હશે.