ભુવનેશ્વરઃ ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે કહ્યું કે, પુરુષ હોકી વર્લ્ડ કપમાં રવિવારે બેલ્જિયમ વિરુદ્ધ  અમારો મુકાબલો યજમાન ટીમ માટે લગભગ પ્રી ક્વાર્ટર ફાઇનલની જેમ છે. ભારતને પૂલ સીમાં ઓલમ્પિક  સિલ્વર મેડલિસ્ટ બેલ્જિયમ, સાઉથ આફ્રિકા અને કેનેડાની સાથે રાખવામાં આવ્યું છે અને ટેબલમાં સર્વોચ્ચ સ્થાને  રહેનારી ટીમ સીધી આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે શરૂઆતી મેચમાં સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું અને બેલ્જિયમે કેનેડાને 2-1થી પરાજય આપ્યો હતો.  યજમાન ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નક્કી કરવા માટે અને ક્રોસ-ઓવરથી બચવા માટે બેલ્જિયમ વિરુદ્ધ  જીત જરૂરી છે. ટૂર્નામેન્ટના ફોર્મેટ અનુસાર ચાર પૂલમાંથી ટોપ પર રહેનારી ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ  કરી લેશે જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ અંતિમ-8માં પ્રવેશ કરવા માટે ક્રોસ-ઓવર મુકાબલો  રમશે. 


હરેન્દ્રએ શનિવારે મેચ પૂર્વે આયોજીત પત્રકાર પરિષદમાં કહ્યું, મને કોઈ દબાવ લાગતો નથી. જો તમે આ  દબાવનો આનંદ ઉઠાવશો તો તમને સફળતા મળશે. મને લાગી રહ્યું છે કે, કાલે અમારો પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચ  છે અને જો અમારે સીધો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો અમારે આ મેચ જીતવી પડશે. તેમણે કહ્યું કે,  અમે અમારી ટીમની બેઠકમાં તેના પર ચર્ચા કરી છે અને અમે એક સમયે એક મેચમાં ધ્યાન આપીશું. 


વર્ષ 2013 બાદથી ભારતનો બેલ્જિયમ વચ્ચે રેકોર્ડ સારો નથી, ભારતે તેની વિરુદ્ધ માત્ર પાંચ મેચોમાં જીત  મેળવી છે, અને 13 મેચમાં પરાજય થયો છે એક મેચ ડ્રો રહ્યો છે. બેલ્જિયમ પાસેથી મળનારા પડકાર વિશે  પૂછવા પર હરેન્દ્રએ કહ્યું કે, ભારતે જીત મેળવવા માટે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવું પડશે. 


તેમણે કહ્યું, જો તમે છેલ્લા 4-5 વર્ષોનો ગ્રાફ જુઓ તો બેલ્જિયમની ટીમ સારી રહી છે. અમારે સ્થિતિ અનુસાર  રમવું પડશે. છેલ્લા 5-6 મહિનાથી ભારતીય ટીમ આક્રમક હોકી રમી રહી છે જે અમારૂ હથિયાર હશે અને અમે  તેની સાથે બાંધછોડ નહીં કરીએ. કોચે કહ્યું, અમારે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે બેલ્જિયમની રમવાની શૈલી  અલગ છે, તે સમાનાંતર સ્ટિક રાખીને હોકી રમતા નથી. જેથી અમારે તેની પર ધ્યાન આપવું પડશે.