મારી ટીમમાં રોનાલ્ડોની જગ્યાએ મેસીને પસંદ કરીશઃ પેલે
પેલેએ કહ્યું કે, લિયોનેલ મેસીની સ્ટાઇલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી અલગ છે. રોનાલ્ડો સેન્ટર ફોરવર્ડ છે, તો મેસી વધુ સંતુલિત ખેલાડી છે.
નવી દિલ્હીઃ ફુટબોલ જગતના દિગ્ગજોમાં સામેલ પેલેએ શુક્રવારે કહ્યું કે, તેઓ પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જગ્યાએ પોતાની ટીમમાં આર્જેન્ટીનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસીને પસંદ કરશે. ભારતના પૂર્વ કેપ્ટન બાઇચુંગ ભૂટિયા સાથે વાતચીતમાં પેલેએ આ વાત કરી હતી. બ્રાઝીલના દિગ્ગજ પેલેએ કહ્યું કે, ઘણા લોકો તેમની તુલના જોર્જ બેસ્ટ સાથે કરે છે પરંતુ બંન્નેની સ્ટાઇલ ઘણી અલગ છે અને આ અંતર મેસી અને રોનાલ્ડોમાં પણ છે.
એક કાર્યક્રમમાં 3 વખત ચેમ્પિયન પેલેએ કહ્યું, જો હું મારી ટીમ વિશે નિર્ણય લઈશ તો, હું રોનાલ્ડોના સ્થાને મેસીને પસંદ કરીશ. તેમણે કહ્યું, મેસી અને રોનાલ્ડોની તુલના કરવી મુશ્કેલ છે. મેસીની સ્ટાઇલ રોનાલ્ડોની સ્ટાઇલ કરતા ખૂબ અલગ છે. ઘણા લોકો મારી તુલના જોર્જ સાથે કરે છે પરંતુ અમારી રમવાની રીત અલગ છે. રોનાલ્ડો વધુ સેન્ટર ફોરવર્ડ છે, તો મેસી વધુ સંતુલિત ખેલાડી છે.
ફુટબોલની રમતમાં આવેલા ફેરફાર વિશે પેલેએ કહ્યું, આ ખેલમાં મેદાનની અંદર જરાપણ ફેરફાર થયો નથી. સૌથી મોટો ફેરફાર સુવિધાઓમાં આવ્યો છે. અમારી પાસે આવી શાનદાર સુવિધા ન હતી. પેલેએ 1958માં બ્રાઝીલની સાથે પ્રથમવાર ફીફા વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ 1962માં તેમણે આ ટાઇટલનું રક્ષણ કર્યું. પેલેની આગેવાનીમાં 1970માં બ્રાઝીલ ફરી એકવાર ફીફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.