દુબઈઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારે પોતાના એન્ટી કરપ્શન યૂનિટના ભંગનો આરોપ લગાવ્યો છે. આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, તેમણે પૂર્વ બેટ્સમેનને આરોપો વિરુદ્ધ જવાબ આપતા માટે 15 ઓક્ટોબરથી કુલ 14 દિવસનો સમય આપ્યો છે. આઈસીસીએ કહ્યું કે, જયસૂર્યાએ તેના બે નિયમોનો ભંગ કર્યો છે. આઈસીસીએ તેના પર અનુચ્છેદ 2.4.6 અને 2.4.7ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન પર 2.4.6 હેઠળ આરોપ છે કે તેણે એસીયૂની તપાસમાં સહયોગ કર્યો નથી. 2.4.7 હેઠળ તેના પર એસીયૂની તપાસમાં વિક્ષેપ પાડવો અને તપાસમાં મોડું કરવાનો આરોપ લગાવ્યો છે. આઈસીસીએ હાલમાં આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી. 


આઈસીસી તરફથી આ કાર્યવાહી અલ-જજીરા તરફથી કરાયેલા સ્ટિંગ ઓપરેશનના આધારે કરવામાં આવી રહી છે. સ્ટિંગ ઓપરેશન પ્રમાણે, જુલાઈ 2017માં ભારત અને શ્રીલંકા વચ્ચે જે મેચ યોજાઇ હતી તે ફિક્સ હતી. આ પહેલા ઓગસ્ટ 2016માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ પણ ફિક્સ કરવામાં આવી હતી. 


સનથ જયસૂર્યા શ્રીલંકા ટીમ તરફથી 1989થી 2011 સુધી ક્રિકેટ રમ્યો હતો. 22 વર્ષના ક્રિકેટ કેરિયરમાં તેણે 110 ટેસ્ટ અને 445 વનડે મેચ રમી હતી. જયસૂર્યા શ્રીલંકાનો પૂર્વ સાંસદ પણ રહી ચુક્યો છે.