World Cup: ડેવિડ વોર્નરના શોટથી ઈજાગ્રસ્ત થયો ભારતીય મૂળનો બોલર
ડેવિડ વોર્નર સીધો તેની મદદ માટે દોડ્યો હતો. બાકી ખેલાડીઓ પણ પ્રેક્ટિસ રોકીને જયકિશન પાસે પહોંચી ગયા હતા.
લંડનઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારત સામેના મુકાબલાના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાએ ખુબ અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ડેવિડ વોર્નર મોટા-મોટા શોટ્સ ફટકારતો જોવા મળ્યો હતો. આવો એક શોટ ભારતીય મૂળના બોલર જયકિશનને ઈજા પહોંચાડી ગયો હતો. તેને તુરંત હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે જણાવ્યું કે, વોર્નર આ ઘટના બાદ ગભરાઇ ગયો હતો. તે સીધો તેની મદદ કરવા પાસે પહોંચી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રેક્ટિસ શનિવારે તે સમયે રોકવી પડી, જ્યારે વોર્નરના શોટ ભારતીય મૂળના નેટ બોલરના માથામાં વાગ્યો હતો. વોર્નરે આ શોટને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં બોલ બ્રિટિશ ફાસ્ટ બોલર જય કિશનના માથા પર વાગ્યો હતો. ભારતીય મૂળનો જય કિશનને ત્યારબાદ દુખાવો થયો અને તે મેદાન પર પડી ગયો હતો. વોર્નર સીધો તેની મદદ માટે દોડ્યો હતો. ત્યારબાદ બાકી ખેલાડીઓ પ્રેક્ટિસ રોકીને જય કિશન પાસે પહોંચી ગયા હતા.
20 વર્ષ બાદ ઓવલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, વિશ્વકપમાં આવો રહ્યો છે રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના ફિઝિયોએ બોલરની તપાસ કરી. ત્યારબાદ તેને સ્ટ્રેચર પર મેડિકલ રૂમમાં લાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ લઈ જવા સમયે તેણે કહ્યું, મારા માથામાં ઈજા થઈ છે. હવે હું સ્વસ્થ છું. મારૂ નામ જયકિશન છે અને હું ફાસ્ટ બોલર છું. આઈસીસીના વેન્યૂ મેનેજર માઇકલ ગિબ્સને જણાવ્યું, નેટ બોલરને સાવચેતીના ભાગ રૂપે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો કારણ કે તેને માથામાં ઈજા થઈ છે. જ્યારે તેને લઈ જવામાં આવ્યો ત્યારે તે હોશમાં હતો અને હસી રહ્યો હતો. તેને 24 કલાક સુધી ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે.