world cup 2019: સ્ટાર સ્પિનર રાશિદ ખાનના નામે નોંધાઈ ગયો વનડે ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ મેચમાં 9 ઓવરમાં 110 રન આપ્યા હતા.
માનચેસ્ટરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ 2019ની 24મી મેચમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાનની એટલી ધોલાઈ કરવામાં આવી કે તે આ મેચને ભૂલી જવા માંગશે. રાશિદ ખાનને વિશ્વનો સૌથી સૌરી રિસ્ટ સ્પિનર ગણવામાં આવે છે અને અફઘાનિસ્તાન ટીમની સૌથી મોટી તાકાત છે પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેના પ્રદર્શને ન માત્ર નિરાશ કર્યાં પરંતુ વનડે વિશ્વકપનો સૌથી ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રાશિદ ખાનના નામે નોંધાયો આ અણગમતો રેકોર્ડ
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન હવે વનડે વિશ્વકપની એક ઈનિંગમાં સૌથી વધુ રન આપનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. રાશિદ એટલો ખર્ચાળ સાબિત થયો કે પોતાના સ્પેલની 10 ઓવર પણ ન ફેંકી શક્યો. તેણે 9 ઓવર બોલિંગ કરી અને તેમાં તેણે 12.22ની ઇકોનોમી રેટથી 110 રન આપ્યા અને તેને એકપણ વિકેટ ન મળી. વનડે વિશ્વકપમાં કોઈ બોલરે આટલા રન આપ્યા નથી. વિશ્વ કપની એક ઈનિંગમાં આટલા રન આપનાર રાશિદ ખાન પ્રથમ બોલર બની ગયો છે. આ સાથે વનડે ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ સ્પિનરે આ પહેલા 100થી વધુ રન આપ્યા નથી.
વનડેમાં ત્રીજો સૌથી મોટો સ્કોર
વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક ઈનિંગમાં પોતાના સ્પેલમાં સૌથી વધુ રન આપવાના મામલામાં રાશિદ ખાન ત્રીજા નંબર પર છે. વનડેની એક ઈનિંગમાં પોતાના સ્પેલમાં સૌથી વધુ રન આપવાના મામલામાં માઇકલ લેવિસ સૌથી આગળ છે. તેણે વર્ષ 2006મા જોહનિસબર્ગમાં આફ્રિકા વિરુદ્ધ 10 ઓવરમાં 113 રન આપ્યા હતા. બીજા નંબર પર વહાબ રિયાઝ છે જેણે વર્ષ 2016માં નોટિંઘમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 10 ઓવરમાં 110 રન આપ્યા હતા. હવે ત્રીજા સ્થાન પર રાશિદ ખાન આવી ગયો છે.
ઈંગ્લેન્ડની ટીમે છગ્ગાના મામલામાં તોડી નાખ્યા વનડે ક્રિકેટ અને World Cupના તમામ રેકોર્ડ
વનડે ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન આપનાર બોલર
-113(10) માઇકલ લેવિસ વિરુદ્ધ આફ્રિકા, 2006
-110(10) વહાબ રિયાઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2016
-110(09) રાશિદ ખાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2019