ઝી ડિજીટલ ડેસ્ક/અમદાવાદઃ 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' એવી 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો પ્રારંભ થઈ જશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1 ઓગસ્ટ, 2019થી જૂન, 2021 સુધી વિશ્વની 9 ટેસ્ટ ટીમ વચ્ચે કુલ 73 મેચ રમાશે. જુન 2021 સુધી જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાને હશે તેમના વચ્ચે ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં ટેસ્ટ ક્રિકેટનો બાદશાહ કોણ છે તે નક્કી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, 7 જુન, 1975ના રોજ ICC દ્વારા વન-ડે વર્લ્ડ કપની શરૂઆત કરાઈ હતી અને ટી-20 વર્લ્ડ કપની પ્રથણ મેચ 11 સપ્ટેમ્બર, 2007ના રોજ રમાઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં 'વર્લ્ડ કપ' જેવી કોઈ ફોર્મ્યુલા ન હતી, પરંતુ ICC દ્વારા આપવામાં આવતા રેન્કિંગના આધારે જે ટીમનું રેન્કિંગ વધુ હોય તે ટોચના સ્થાને રહે છે. 


શા માટે શરૂ કરાઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ?
છેલ્લા કેટલાક વર્ષથી કેટલીક ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં અપવાદ થયા પછી ટેસ્ટ ક્રિકેટને જોઈએ તેવો ખાસ પ્રતિસાદ મળતો ન હતો. રેન્કિંગમાં ટોચની ટીમ અને તળિયાની ટીમ વચ્ચે જ્યારે મુકાબલો હોય ત્યારે તો ટેસ્ટ શ્રેણી તદ્દન નીરસ બની જતી હતી. બે ટીમ વચ્ચેની પ્રત્યેક ટેસ્ટ શ્રેણી જ નહીં પરંતુ દરેક ટેસ્ટ મેચ રસપ્રદ બની રહે તે હેતુ સાથે 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો કન્સેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. 


કઈ-કઈ ટીમો ભાગ લેશે?
ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વિન્ડીઝ. (પ્રત્યેત 9 ટીમ જુન 2021 સુધી ઓછામાં ઓછી 6 ટીમ સામે ટેસ્ટ શ્રેણી રમશે. જેમાં પ્રત્યેક ટીમને 3 ટેસ્ટ શ્રેણી ઘર આંગણે અને 3 ટેસ્ટ શ્રેણી વિદેશમાં રમવાની થશે.)


ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક નવા નિયમો
1 ઓગસ્ટથી શરૂ થઈ એશેઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સફેદ ડ્રેસમાં તો હશે જ, પરંતુ આ શ્રેણીમાં તેમની ટીશર્ટ પર તેમનું નામ અને નંબર પણ હશે. વનડે અને ટી-20માં તો ઘણા સમય પહેલાં ખેલાડીઓની ટીશર્ટના પાછળના ભાગમાં તેમનું નામ અને નંબર લખવાનું શરૂ થયું હતું. ટેસ્ટ ક્રિકેટમાં હવે શરૂ થઈ રહ્યું છે. આ ઉપરાંત, શ્રેણીમાં એક નવો નિયમ પણ લાગુ થઈ શકે છે. આ નિયમ માથામાં ઈજા પહોંચતા એ ખેલાડીના સ્થાને સબસ્ટીટ્યુટ ખેલાડીને રમવા દેવાની મંજૂરી આપવાનો. આશા છે કે, આ નિયમને મંજૂરી મળી જશે અને તેને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવશે. નિયમ લાગુ કરવાનું મુખ્ય કારણ એશેઝ ટેસ્ટ શ્રેણીની સાથે-સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ થઈ રહી છે અને આ નિયમનો તેની તમામ મેચમાં ઉપયોગ કરી શકાય. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....