સાઉથમ્પ્ટનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિરાટ કોહલીની ટીમને અતિ આત્મવિશ્વાસ ભારે પડ્યો છે. ટીમ ઈન્ડિયા 2013 બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડની ટીમે દમદાર પ્રદર્શન કરી કરોડો ભારતીયોનું દિલ તોડી નાખ્યું છે. ભારતીય ટીમના પરાજયના અનેક કારણો છે. પરંતુ આ પાંચ ખેલાડીઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં નિરાશ કર્યા છે. આ પાંચ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની હારના વિલન બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ભારતની હારના પાંચ વિલન


રોહિત શર્મા
ભારતને પોતાના સ્ટાર ઓપનર રોહિત શર્મા પાસે ખુબ આશા હતી. રોહિત શર્માએ બન્ને ઈનિંગમાં સારી શરૂઆત કરી પરંતુ સેટ થયા બાદ પોતાની વિકેટ ફેંકી દીધી હતી. રોહિત શર્મા બીજી ઈનિંગમાં સાઉદીની ઓવરમાં જે પ્રકારે LBW આઉટ થયો તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. રોહિત સેટ થયા બાદ આઉટ થઈ જતા ભારતીય ટીમને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો. રોહિતે પ્રથમ ઈનિંગમાં 34 અને બીજી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતા. 


વિરાટ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર 2019 બાદ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મહત્વની ફાઇનલ મેચમાં પણ વિરાટ કોહલી મોટી ઈનિંગ રમવામાં ફ્લોપ રહ્યો. પ્રથમ ઈનિંગમાં કોહલીએ 44 તો બીજી ઈનિંગમાં માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. કોહલીને બન્ને ઈનિંગમાં જેમિસને પોતાનો શિકાર બનાવ્યો હતો. 


ચેતેશ્વર પુજારા
પુજારાને ભારતીય ટેસ્ટ ક્રિકેટની દીવાલ કહેવામાં આવે છે. પરંતુ હવે પુજારાના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી પુજારા એકપણ સદી ફટકારી શક્યો નથી. તે સેટ થવામાં સમય તો લે છે પરંતુ સેટ થયા બાદ જે રીતે આઉટ થઈ રહ્યો છે, તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. પુજારા પ્રથમ ઈનિંગમાં 8 અને બીજી ઈનિંગમાં 15 રન બનાવી આઉટ થયો હતો. 


રિષભ પંત
છેલ્લા છ મહિનામાં રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારે પ્રદર્શન કર્યું તેની પ્રશંસા વિશ્વભરમાં થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ઐતિહાસિક શ્રેણી વિજયમાં પંતે દમદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મહત્વની મેચમાં પંત પ્રથમ ઈનિંગમાં જે રીતે આઉટ થયો હતો. ત્યારબાદ બીજી ઈનિંગમાં પંતે જરૂર 41 રન બનાવ્યા પરંતુ ટીમને જરૂર હતી ત્યારે ખરાબ શોટ ફટકારી આઉટ થઈ ગયો હતો. 


જસપ્રીત બુમરાહ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફાઇનલ મેચમાં તમામ લોકોને નિરાશ કર્યા છે. બુમરાહ લયમાં જોવા મળ્યો નહીં. તેણે ખરાબ બોલ ફેંકી સામેની ટીમને રન બનાવવાની પણ તક આપી હતી. પ્રથમ ઈનિંગમાં બુમરાહે 26 ઓવર ફેંકી પરંતુ તેને એકપણ સફળતા મળી નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube