જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે તો કઈ ટીમને તક મળશે? અહીં જાણો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનની ધરતી પર થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લેશે. પરંતુ ભારત હજુ પાકિસ્તાન જશે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજનમાં આશરે 100 દિવસ બાકી છે, પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે ત્રણ મોટા શહેરો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે. તેવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ફેન્સ આ ટૂર્નામેન્ટને લઈને ખુબ ઉત્સાહિત છે. પરંતુ એક દિવસ પહેલા આવેલા એક સમાચારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે.
હકીકતમાં ESPNcricinfo એ પોતાના એક સમાચારમાં મોટો ખુલાસો કર્યો કે ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICC ને સ્પષ્ટ કહી દીધું કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં. BCCI એ આ નિર્ણય ભારત સરકારની સલાહ બાદ લીધો જેમાં કહેવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાથી દૂર રહેવું જોઈએ. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચેલો છે.
ભારત નહીં તો કોણ?
હવે સવાલ ઉઠે છે કે શું PCB અને BCCI વચ્ચે હાઇબ્રિડ મોડલને લઈને સહમતિ બનશે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રવેશ ન કરે તો કઈ ટીમ આ ટૂર્નામેન્ટમાં રમી શકે છે. આવો જાણીએ સવાલનો જવાબ...
આ પણ વાંચોઃ ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય રોહિત શર્મા, મોટી અપડેટ સામે આવી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમોએ ક્વોલીફાઈ કરી લીધું છે, જે પાછલા વર્ષે ભારતમાં રમાયેલા 2023 વિશ્વકપના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-8માં રહી હતી. આ પ્રમાણે યજમાન પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું આ ટૂર્નામેન્ટમાં રમવાનું નક્કી છે.
જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાથી ઇનકાર કરી દે તો પછી નવમાં નંબરની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની તક મળશે. 2023ના વિશ્વકપના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની ટીમ નવમાં સ્થાને રહી હતી. આ પ્રમાણે જો ભારત ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરે તો શ્રીલંકાનું ભાગ્ય ચમકી જશે. પરંતુ તે વાતની સંભાવના હજુ ઓછી છે કારણ કે આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.