Imran Tahir: 44 વર્ષના તાહિરે કર્યો કમાલ, T20 ક્રિકેટમાં 500 વિકેટ લેનાર ચોથો બોલર બન્યો
BPL 2024: દિગ્ગજ લેગ સ્પિનર ઇમરાન તાહિરે 44 વર્ષની ઉંમરમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે ટી20 ફોર્મેટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો બોલર બન્યો છે.
Imran Tahir 500 T20 Wickets: ઇમરાન તાહિરે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024માં ખુલના ટાઇગર્સ વિરુદ્ધ 5 વિકેટ લીધી છે. આ સાથે તે T20 ફોર્મેટમાં 500 વિકેટ લેનાર દુનિયાનો ચોથો બોલર બની ગયો છે. 44 વર્ષના આ બોલરે ચટ્ટોગ્રામના ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં ખુલના ટાઇગર્સ વિરુદ્ધ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024 મેચમાં રંગપુર રાઇડર્સ માટે રમતા આ સિદ્ધિ મેળવી છે. તેણે 404 મેચમાં 500 વિકેટ લીધી છે.
ઇમરાન તાહિરે પૂરી કરી 500 T20 વિકેટ
ઇમરાન તાહિરે ખુલના ટાઇગર્સ વિરુદ્ધ બોલિંગ કરતા 5 બેટરોને આઉટ કર્યા હતા. તેણે એલેક્સ હેલ્ત, અનમુલ હક, અફીફ હોસૈન, હબીબુર રહમાન સોહન અને અકબર અલીને પેવેલિયન પરત મોકલ્યા હતા. તેણે આ મેચમાં પોતાની ત્રીજી વિકેટ લેવાની સાથે 500 T20 વિકેટ પૂરી કરી હતી. તેના નામે 404 ટી20 મેચમાં 502 વિકેટ છે.
આ પણ વાંચોઃ BCCI આકરા પાણીએ, ખેલાડીઓ આ વાત નહીં માને તો IPLમાંથી કપાઈ શકે છે પત્તું
સૌથી વધુ T20 વિકેટ લેનાર બોલર
ડ્વેન બ્રાવો - 624 વિકેટ
રાશિદ ખાન – 556 વિકેટ
સુનીલ નારાયણ - 532 વિકેટ
ઈમરાન તાહિર - 502 વિકેટ
ઇમરાનની ટીમે જીતી મેચ
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024ની 30મી મેચમાં રંગપુર રાઇડર્સે 78 રનથી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા રંગપુર ટીમે શાકિબ અલ હસન અને મેહદી હસનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 219 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ખુલના ટાઇગર્સની ટીમ 18.2 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.