IND vs AFG ટેસ્ટ: ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈને શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર, સૈનીને મળ્યું સ્થાન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ 14 જૂનથી બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થશે.
મુંબઈઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ફાસ્ટ બોલર નવદીપ સૈનીને મોહમ્મદ શમીના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. શમી બેંગલુરૂ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એડેકમી (NCA)માં થયેલી ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે, તેથી પસંદગીકારોએ તેના સ્થાને સૈનીનો સમાવેશ કર્યો.
બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું, અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ મોહમ્મદ શમીના સ્થાન પર નવદીપ સૈનીનો અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમમાં સમાવેશ કર્યો છે. આ નિર્ણય શમીના એનસીએમાં થયેલા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા બાદ લેવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ટીમ મેનેજમેન્ટે ઈન્ડિયા-એ ટીમનો ભાગ મોહમ્મદ સિરાજ અને રજનીશ ગુરબાનીને ભારતીય ટીમના પ્રેક્ટિસ સત્રમાં સામેલ થઈને બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવવાનું કહ્યું છે.
ટીમ મેનેજમેન્ટના અંતિમ રાજપૂતને પણ સીનિયર ટીમના પ્રેક્ટિસ સત્રમાં ભાગ લેવાનું કહ્યું હતું, પરંતુ અંકિતની તબિયત સારી ન હોવાથી તે ટીમ સાથે જોડાશે નહીં. બીજીતરફ ઈશાન કિશનને ઈંગ્લેન્ડ લાયન્સ અને વેસ્ટઈન્ડિઝ-એ વિરુદ્ધ યોજાનારી વનડે શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું. કિશનને ટીમમાં પ્રવેશ સંજૂ સૈમસનના ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવાથી મળ્યો છે.