IND vs AUS: ઈન્દોર ટેસ્ટ જીતવા ઓસ્ટ્રેલિયાને મળ્યો 76 રનનો ટાર્ગેટ, ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 163 રનમાં ઓલઆઉટ, લાયનની 8 વિકેટ
Indora Test: ઈન્દોર ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર 76 રન દૂર છે. પ્રથમ ઈનિંગમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ જનારી ભારતીય ટીમ બીજી ઈનિંગમાં માત્ર 163 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. સ્ટાર સ્પિનર નાથન લાયને 8 વિકેટ ઝડપી હતી.
ઈન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને માત્ર 76 રનનો ટાર્ગેટ મળ્યો છે. મેચના બીજા દિવસે ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 163 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની ઈનિંગ સમાપ્ત થવાની સાથે બીજા દિવસની રમત પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. હવે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા 76 રનના લક્ષ્ય સાથે બેટિંગ કરવા ઉતરશે. પ્રથમ ઈનિંગ બાદ બીજી ઈનિંગમાં પણ ભારતીય બેટરો સ્પિનર સામે ધરાશાયી થયા હતા.
નાથન લાયન સામે ભારતીય બેટરો ફેલ
ભારતે આજે પ્રથમ સત્રમાં 87 રનની ટ્રિલ બાદ પોતાની બીજી ઈનિંગ શરૂ કરી હતી. ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયને કેપ્ટન રોહિત શર્મા (12) અને શુભમન ગિલ (5) ને આઉટ કરીને ભારતને બેકફુટ પર ધકેલી દીધુ હતું. ત્યારબાદ વિરાટ કોહલી માત્ર 13 રન બનાવી કુહનમેનનો શિકાર બન્યો હતો. રવિન્દ્ર જાડેજા 7 રન બનાવી લાયનનો શિકાર બન્યો હતો. અય્યસ અય્યરે ઝડપી બેટિંગ કરતા 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ સાથે 26 રન ફટકાર્યા હતા. અય્યર સ્ટાર્કની ઓવરમાં કેચઆઉટ થયો હતો.
ચેતેશ્વર પુજારાની અડધી સદી
ભારત તરફથી બીજી ઈનિંગમાં ચેતેશ્વર પુજારાએ સંઘર્ષપૂર્ણ ઈનિંગ રમી હતી. એક છેડે વિકેટ પડી રહી હતી અને પુજારા શાનદાર રીતે સ્પિનરોનો સામનો કરી રહ્યો હતો. ચેતેશ્વર પુજારાએ 142 બોલનો સામનો કરી 59 રન બનાવ્યા હતા. પુજારા પણ લાયનનો શિકાર બન્યો હતો. આ સિવાય અશ્વિને 16 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 15 રન બનાવી અણનમ રહ્યો હતો.
નાથન લાયનનું કમાલનું પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર સ્પિનર નાથન લાયને બીજી ઈનિંગમાં 23.3 ઓવર બોલિંગ કરી માત્ર 64 રન આપ્યા અને 8 વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્ટાર્ક અને કુહનમેનને એક-એક વિકેટ મળી હતી.
આ પહેલાં મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 156 રન પર ચાર વિકેટના સ્કોરથી પોતાની પ્રથમ ઈનિંગ આગળ વધારી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 197 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગના આધારે 87 રનની લીડ મેળવી હતી. નોંધનીય છે કે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube