IND vs AUS: પાંચમી ટી20 મેચમાં ભારતનો 6 રને વિજય, 4-1થી કબજે કરી સિરીઝ
ભારતે અંતિમ ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દીધુ છે. આ સાથે નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં પાંચ મેચની સિરીઝ 4-1થી કબજે કરી છે. ભારતે આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી હતી. જેમાં કેટલાકે શાનદાર પ્રદર્શન કર્યું છે.
બેંગલુરૂઃ ભારતે પાંચમી અને અંતિમ ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવી પાંચ મેચની સિરીઝ 4-1થી કબજે કરી લીધી છે. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવી શકી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 18 બોલમાં 28 રન ફટકાર્યા હતા. જ્યારે જોશ ફિલિપે 4 રન બનાવી આઉટ થયો હતો. બેન મેકડેરમોટે 36 બોલમાં 5 સિક્સની મદદથી 54 રન ફટકાર્યા હતા. આરોન હાર્ડી 6 રન બનાવી આઉટ થયો હતો. ટિમ ડેવિડ પણ માત્ર 17 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
મેથ્યૂ શોર્ટે 16 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યૂ વેડ 15 બોલમાં 4 ચોગ્ગા સાથે 22 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને બે-બે તથા અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.
આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને 33 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. યશસ્વી જાયસવાલ 21 રન બનાવી આઉટ થયો હતો. ગાયકવાડ 10 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 અને રિંકુ સિંહ 5 રનન બનાવી આઉટ થયા હતા. જીતેશ શર્માએ 24 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત તરફથી શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. અય્યરે 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 53 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 21 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો.