સિડની ટેસ્ટઃ ઈતિહાસ રચવા ઉતરશે ભારતીય ટીમ
ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયાની સાથે ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ રમવા માટે ઉતરશે તો તેની પાસે આ મેચ જીતીને 70 વર્ષમાં પ્રથમવાર ઈતિહાસ રચવાની તક હશે.
સિડનીઃ વિશ્વની નંબર-1 ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયાની સાથે ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ રમવા માટે ઉતરશે તો તેની પાસે આ મેચ જીતીને 70 વર્ષમાં પ્રથમવાર ઈતિહાસ રચવાની તક હશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે અને હવે તેની પાસે એસસીજીમાં ચોથી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાની તક છે. ભારત જો મેચ ડ્રો પણ કરાવી લે તો તે 2-1થી સિરીઝ જીતી જશે, જે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષ બાદ તેનો પ્રથમ શ્રેણી વિજય હશે.
ભારતે 1947-48મા પ્રથમવાર ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તે 0-4થી સિરીઝ હારી ગયું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં 11 સિરીઝ રમી છે, પરંતુ એકપણ વખત જીત મલી નથી. ભારતે ઓસ્ટ્રેલિયામાં 8 વખત ટેસ્ટ સિરીઝ ગુમાવી છે જ્યારે ત્રણ ડ્રો રહી છે. ભારતનો આ 12મો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે અને જો વિરાટ કોહલી સિરીઝ જીતી લે તો તે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર પ્રથમ કેપ્ટન બની જશે. જો સિડનીની વાત કરવામાં આવે તો અહીં પર છેલ્લી જીત 41 વર્ષ પહેલા 1978મા બિશન સિંહ બેદીની આગેવાનીમાં મળી હતી.
ત્યારે ભારતે આ મેદાન પર યજમાનને ઈનિંગ અને 2 રને હરાવ્યું હતું. જો સિડનીમાં આંકડાની વાત કરીએ તો અહીં કાંગારૂઓનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. ભારતે એસસીજીના મેદાન પર અત્યાર સુધી 11 ટેસ્ટ રમી છે, જેમાં પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે અને એકમાં ભારતનો વિજય થયો છે. આંકડાથી દૂર હાલના સમયને જોવામાં આવે તો ભારતીય ટીમ શાનદાર સમયમાંથી પસાર થઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ સમયમાંથી. ક્રિકેટ નિષ્ણાંતો માની રહ્યાં છે કે, આ વખતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સૌથી સફળ પ્રવાસ થવા જઈ રહ્યો છે.
અમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિ: પેન
વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ રનો પ્રમાણે આ સિરીઝમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. આ બંન્ને બેટ્સમેનોએ 6-6 ઈનિંગમાં ક્રમશઃ 328 અને 259 રન બનાવ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ છે, જેના ખાતામાં અત્યાર સુધી 217 રન છે. બોલિંગમાં ગત વર્ષે ટેસ્ટમાં પર્દાપણ કરનાર બુમરાહ સિરીઝમાં અત્યાર સુધી 20 વિકેટ લઈને આગળ ચાલી રહ્યો છે. શમી આ સિરીઝમાં અત્યાર સુધી 14 વિકેટ ઝડપી ચુક્યો છે. ભારતે મેલબોર્નમાં જે રીતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું હતું, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, ટીમ સિડની પણ જીતશે.
સિડનીનું મેદાન સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે, અને તેને જોતા ભારતીય ટીમે આ મેચ માટે જે 13 સભ્યોની જાહેરાત કરી છે તેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણેય સ્પિનરોને સામેલ કર્યા છે. પરંતુ અશ્વિનનું રમવું શંકાસ્પદ છે. ઈશાંત શર્મા ઈજાને કારણે બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ઉમેશ યાદવની વાપસી થઈ છે. રોહિતના સ્થાને રાહુલને ફરી તક આપવામાં આવી છે. બીજીતરફ ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો તેણે ભારતને ઈતિહાસ રચવાથી રોકવું છે તો આ મેચ જીતીને સિરીઝ 2-2થી ડ્રો કરાવવી પડશે.
4 વર્ષ પહેલા SCGમા થયો હતો કોહલીનો ઉદય, ત્યાં રચશે ઈતિહાસ?
ટીમમાં અનુભવી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ન હોવાથી ઓસ્ટ્રેલિયા પ્રથમવાર ભારતના હાથે સિરીઝ ગુમાવવાની નજીક છે. યજમાન ટીમની બેટિંગ અને બોલિંગ ચિંતાનો વિષય છે. ટીમ મેલબોર્નની પ્રથમ ઈનિંગમાં માત્ર 151 અને બીજી ઈનિંગમાં 261 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સિરીઝ બચાવવી છે તો સિડનીમાં શાનદાર વાપસી કરવી પડશે.