IND vs AUS: ટીમ ઈન્ડિયાને ચીયર કરવા અભૂતપૂર્વ ઉત્સાહ, જીત માટે દેશભરમાં પ્રાર્થના
World Cup 2023 Final: ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ વિશ્વકપ ફાઈનલને લઈને ખુબ ઉત્સાહમાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે બપોરે બે કલાકે મહામુકાબલો શરૂ થવાનો છે. ટીમ ઈન્ડિયાની જીત માટે દેશભરમાં દુવાઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ વર્લ્ડકપની ફાઈનલ માટે અમદાવાદ તૈયાર છે. દરેક અમદાવાદીની જુબાન પર એક જ શબ્દ છે, ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત. ટીમ ઈન્ડિયાને ચીયર કરવા લોકોમાં અનેરો ઉત્સાહ છે...આ પ્રકારનો થનગનાટ અગાઉ ભાગ્યે જ ક્યારેક જોવા મળ્યો છે. તો બીજી તરફ સ્ટેડિયમની સુરક્ષા માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરાઈ છે. દેશ વિદેશના મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટ પર વિશેષ તૈયારીઓ કરાઈ છે..સામૂહિક રીતે મેચ જોવા પણ ઘણા આયોજનો છે. કેવો છે શહેરમાં ફાઈનલ ફીવર, જોઈએ આ અહેવાલમાં...
રવિવારે અમદાવાદ ઐતિહાસિક ક્રિકેટ મેચનું સાક્ષી બનશે...જો ભારત ત્રીજી વખત વર્લ્ડકપ જીતશે તો તેની સાથે જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ક્રિકેટના ઇતિહાસમાં નોંધાઈ જશે. આ જ કારણ છે કે અમદાવાદમાં ઉત્સવ જેવો માહોલ છે...ક્રિકેટ રસિકોને ટીમ ઈન્ડિયાની જીત પર વિશ્વાસ છે. લોકોએ સ્ટેડિયમમાં અને ઘરે બેસીને મેચ જોવાની સાથે જીતની ઉજવણીની પણ તૈયારી કરી રાખી છે...
આ પણ વાંચોઃ ભારત હારશે ટોસ, પરંતુ...... જાડેજા અને કુલદીપ કરશે કમાલ, ફાઈનલ માટે થઈ ગઈ ભવિષ્યવાણી
વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે દેશ વિદેશથી VIP અને VVIP મહેમાનો આવવાના છે. ત્યારે તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર મોટા પાયા પર તૈાયરીઓ કરાઈ છે. ગરબા સહિતના પરંપરાગત નૃત્યથી મહેમાનોનું સ્વાગત કરાય છે. સચિન તેંડુલકર, યુવરાજસિંહ, વિરેન્દ્ર સહેવાગ, એમ. એસ. ધોની સહિતના પૂર્વ ક્રિકેટરો તેમજ અમિતાભ બચ્ચન, રજનીકાંત, રણબીર કપૂર અને માધુરી દીક્ષિત સહિતના સેલેબ્રિટી સ્ટેડિયમમાં હાજર રહેશે. શનિવારથી મહેમાનોનું આગમન પણ શર થઈ ગયું...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી ફાઈનલ જોવા સ્ટેડિયમમાં હાજર રહેવાના છે, ત્યારે સુરક્ષા માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે ડીજીપી સાથે સ્ટેડિયમ પહોંચીને સુરક્ષાની સમીક્ષા કરી હતી. BCCI સેક્રેટરી જય શાહ અને GCAના પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમમાં પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ ફાઈનલમાં આવી હોઈ શકે છે ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11, જાણો પિચ રિપોર્ટ
સ્ટેડિયમની અંદર જ ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 6 હજાર જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓ ખડેપગે રહેશે. મેચ પુરી થયા બાદ નીકળનારા વિજય સરઘસમાં 2 હજારથી વધુ પોલીસના જવાનો રસ્તા પર તહેનાત રહેશે. ટ્રાફિકના નિયમન માટે પણ ખાસ વ્યવસ્થા કવામાં આવી છે. પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ, ATS, NDRF, SDRF અને SRP સહિતની એજન્સીઓ પણ સુરક્ષામાં જોડાઈ છે. ડ્રોનથી સમગ્ર સ્ટેડિયમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ એન્ટી ડ્રોન પર કાર્યરત કરવામાં આવશે.
સ્ટેડિયમ સુધી પહોંચવા રવિવારે મેટ્રોમાં ધસારો રહેશે, ત્યારે પોલીસ કમિશનરે મેટ્રોની મુસાફરી કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ટ્રાફિક જામની સમસ્યાને ટાળવા લોકોને મેટ્રોની મુસાફરી કરવા પોલીસ તરફથી અપીલ કરાઈ છે.
ફાઈનલ શરૂ થતાં પહેલા અમદાવાદનું આકાશ વાયુસેનાના ફાઈટર વિમાનોની ગર્જનાથી ગૂંજી ઉઠશે. સ્ટેડિયમની ઉપર વાયુસેનાની સૂર્યકિરણ ટીમ MK-132 હોક વિમાનો સાથે ફ્લાય પાસ્ટ કરશે. ફાઈનલ બાદ વિક્ટ્રી સેરેમની દરમિયાન ભવ્ય ડ્રોન શો યોજાશે. આ માટે 1200 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અત્યાર સુધી બધું સારું રહ્યું છે, આવતીકાલે પણ સારું રહેશે.., ફાઇનલ પહેલા રોહિતની PC
ફાઈનલ મેચને સામુહિક રીતે જોવા માટે રાજ્યમાં ઘણી જગ્યાએ વ્યવસ્થા કરાઈ છે. રાજકોટમાં મહાનગરપાલિકા માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર વિશાળ LED મુકશે. 10 હજાર લોકો ક્રિકેટ અહીં એક સાથે ફાઈનલ નિહાળી શકશે... અમદાવાદના જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં ફાઈનલ મેચ જોવા પ્રોજેક્ટરની વ્યવસ્થા કરાઈ છે. વડીલોને વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જ જીતશે. આ માટે ઉજવણીની તૈયારીઓ પણ કરી લેવાઈ છે.
દેશના લોકોને જ્યાં ટીમ ઈન્ડિયાની જીત પર વિશ્વાસ છે, ત્યારે ટીમ ઈન્ડિયા પણ તૈયાર છે. કેપ્ટન રોહિત શર્માએ જીત માટે સારી રમત અને સંતુલન પર ભાર મૂક્યો છે.. હવે રાહ રવિવારે બપોરની જોવાઈ રહી છે, જ્યારે ટોસ બાદ મહામુકાબલો શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube