ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની આજે બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ. જેમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવી દીધુ. મેચમાં નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહ, હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગના પ્રતાપે ભારતે બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પીછો કરવા ઉતરેલી  બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 135 રન જ કરી શકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આપ્યો હતો 222 રનનો ટાર્ગેટ
બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું. જો કે ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી ન રહી અને ઓપનર્સ સંજૂ સેમસન અને અભિષેક શર્મા જલદી આઉટ  થઈ ગયા. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ જલદી આઉટ થઈ જતા એક તબક્કે ભારતની 41 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી. પરંતુ ત્યારબાદ નીતિશકુમાર રેડ્ડી અને રિંકુ સિંહની ભાગીદારીએ કમાલ કરી નાખ્યો. નીતિશકુમાર રેડ્ડીએ 34 બોલમાં 74 રનની વિસ્ફોટક ઈનિંગ ખેલી જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જ્યારે રિંકુ સિંહે 29 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 53 કર્યા. હાર્દિક પંડ્યાએ પણ 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 32 રન કર્યા. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 221 રન કર્યા હતા. 


બાંગ્લાદેશ 86 રનથી હાર્યું 
222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે શરૂઆત તો સારી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઈ શકી નહીં. ઓપનર્સ પરવેઝ હુસૈન ઈમોન 16 રન અને લિટ્ટન દાસ 14 રન કરીને આઉટ થઈ ગયા. મહમુદુદ્લાહે 39 બોલમાં 41 રન કર્યા. આ સિવાય કોઈ બેટ્સમેન ભારતના  બોલર્સ સામે ટકી શક્યા નહીં. બાંગ્લાદેશ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 135 રન જ કરી શક્યું. આમ ભારત આ મેચ 86 રનથી જીતી ગયું. વરુણ ચક્રવર્તી, નીતિશકુમાર રેડ્ડીએ 2-2 વિકેટ લીધી જ્યારે વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, મયંક યાદવ, રિયાન પરાગે 1-1 વિકેટ લીધી. 


પહેલી મેચ ભારતે જીતી હતી
બાંગ્લાદેશ હાલ ભારતના પ્રવાસે છે. ભારતીય ટીમે પહેલા મહેમાન ટીમને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવી અને ત્યારબાદ હવે ટી20 સિરીઝમાં પણ સૂપડાં સાફ કરવા અગ્રેસર છે. પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 71 રનથી હરાવ્યું હતું. આ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાઈ હતી.