હૈદરાબાદઃ India vs England 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમના હેડ કોચે પ્લેઈંગ 11ને લઈને એક મોટી જાણકારી આપી છે. રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું કે કેએલ રાહુલ આગામી ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર તરીકે રમશે નહીં. તેવામાં સ્ક્વોડમાં હાજર યુવા ખેલાડીઓને તક મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલના હાથમાં આ ખેલાડીઓનું ભાગ્ય
રાહુલે હાલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે પ્લેઈંગ ઈલેવનમાં નવા વિકેટકીપરને તક મળવાની નક્કી છે. આ જગ્યા માટે ટીમમાં બે દાવેદાર હાજર છે. આ ખેલાડી ધ્રુવ જુરેલ અને કેએસ ભરત છે. રાહુલ દ્રવિડે સ્પષ્ટ કરી દીધું કે ટેસ્ટ સિરીઝમાં આ બે ખેલાડીઓમાંથી કોઈ એકને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવશે.


આ પણ વાંચોઃ ભારતનો ખેલાડી ભારત વિરૂદ્ધ જ રમશે! T20 WC-2024 માં જોવા મળી શકે છે આ નજારો


શું ધ્રુવ જુરેલ કરશે પર્દાપણ?
22 વર્ષીય ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયા માટે હજુ કોઈ મેચ રમી નથી. ધ્રુવ ઉત્તર પ્રદેશ માટે અન્ડર-14 અને અન્ડર-16 ઉંમર વર્ગમાં રમી ચુક્યો છે. ત્યારબાદ તેની પસંદગી 2020માં અન્ડર-19 વિશ્વકપ માટે કરવામાં આવી હતી. ત્યારબાદ 2022માં જુરેલે ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફીમાં પર્દાપણ કર્યું હતું. તેણે અત્યાર સુધી 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 790 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ધ્રુવે 10 લિસ્ટ એ અને 23 ટી20 મેચ પણ રમી છે. તે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે.


કેએસ ભરતની થઈ શકે છે વાપસી
કેએસ ભરત આ સમયે શાનદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ સદી પણ ફટકારી હતી. તેવામાં અંતિમ ઈલેવનમાં તે સૌથી મોટો દાવેદાર છે. કેએસ ભરત ટીમ ઈન્ડિયા માટે પાંચ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેણે ટેસ્ટ કરિયરની 8 ઈનિંગમાં 129 રન ફટકાર્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ કેએસ ભરતે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. તેવામાં લાંબા સમય બાદ તેની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ શકે છે.