108/5 થી 145/9...ગૌતમ ગંભીરની એક ભૂલ ખુબ ભારે પડી! રાજકોટમાં ટીમ ઈન્ડિયાને મળી શરમજનક હાર

રાજકોટમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ઈંગ્લેન્ડે 5 મેચોની સિરીઝમાં વાપસી કરી છે. આ મેચમાં એવું તે શું થયું કે સરળ એવો લક્ષ્યાંક મેળવવામાં ટીમ ઈન્ડિયા ચૂકી ગઈ?
ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 5 ટી20 મેચની સિરીઝમાં વાપસી કરી છે. તેણે ત્રીજી મેચ 26 રનથી જીતી લીધી. ભારતીય ટીમે રાજકોટમાં 2017 બાદ કોઈ ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ટીમના કોચ અને ખેલાડીઓએ ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવાય છે કે સરળ પીચ પર 172 રનના લક્ષ્યનો પીછો આસાનીથી થઈ શકે તેમ હતો પરંતુ આમ છતાં વધુ પડતા પ્રયોગોએ ટીમનું પતન કર્યું.
4 ઓવરમાં 4 વિકેટ પડી
ભારતીય ટીમ જ્યારે લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી ત્યારે તેનો સ્કોર એક સમયે 16 ઓવરમાં 5 વિકેટ પર 108 રન હતો. અીહંથી ટીમે જીત માટે 4 ઓવરમાં 64 રન કરવાના હતા. ટીમ પાસે 4 વિકેટ હતી. ટી20 ક્રિકેટમાં આ ટાર્ગેટ અચીવ કરી શકાય તેવો છે. પરંતુ આ વખતે ટીમ ફેલ ગઈ. 20 ઓવરમાં 9 વિકેટ પર 149 રન જ કરી શકી. તેનો અર્થ એ થયો કે ભારતે છેલ્લી 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ફક્ત 37 રન કર્યા.
દિગ્ગજ બેટર્સ ન ચાલ્યા
ઈંગ્લેન્ડ માટે પાવરપ્લેમાં જોફ્રા આર્ચર અને માર્ક વુડ પ્રભાવી રહ્યા. પહેલી બે મેચમાં આર્ચરની સામે સહજ થઈને ન રમી શકનારો સંજૂ સેમસન 6 બોલમાં 3 રન કરીને આઉટ થઈ ગયો. અભિષેક શર્માએ 14 બોલમાં 25 રન કર્યા. બ્રાયડન કાર્સે તેને આઉટ કર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાત બોલમાં 14 રન કર્યા અને તે વુડની બોલિંગમાં ખોટો શોટ રમીને આઉટ થઈ ગયો. ફોર્મમાં રહેલો તિલક વર્મા પણ લય જાળવી શક્યો નહી અને રશીદની બોલિંગમાં 14 બોલ પર 18 રન કરી આઉટ થઈ ગયો. આમ ટીમનો સ્કોર 8 ઓવરમાં જ 4 વિકેટ પર 68 રન થઈ શક્યો. અહીંથી છેલ્લી 12 ઓવરમાં 104 રન જોઈતા હતા.
સુંદર અને અક્ષરનો પ્રયોગ નિષ્ફળ
તિલક વર્માના આઉટ થતા જ ટીમ મેનેજમેન્ટે લેફ્ટ અને રાઈટ હાથનું કોમ્બિનેશન જાળવી રાખવા માટે ધ્રુવ જુરેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને મોકલી દીધો. સુંદર હાર્દિક પંડ્યાને સાથ આપવા માટે પહોંચ્યો. બંને વચ્ચે 25 બોલમાં ફક્ત 17 રનની ભાગીદારી થઈ અને અહીંથી ટીમ દબાણમાં આવી ગઈ. વોશિંગ્ટન સુંદરે 15 બોલમાં ફક્ત 6 રન કર્યા. ત્યારબાદ પણ સ્પેશિયાલિસ્ટ બેટર ધ્રુવ જુરેલની જગ્યાએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને મોકલ્યો અને તે પણ કઈ ખાસ કરી શક્યો નહીં. અક્ષર 16 બોલમાં 15 રન જ કરી શક્યો. સુંદર અને અક્ષરે મળીને 31 બોલ રમ્યા અને ફક્ત 22 રન જ કરી શક્યા.
ગંભીર પર ઉઠ્યા સવાલ
સતત થઈ રહેલા પ્રયોગોને જોઈને ભારતીય ટીમ ફેન્સ નારાજ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. કોચ ગૌતમ ગંભીરની ખુબ ટીકા થઈ રહી છે. એવો સવાલ થઈ રહ્યો છે કે જ્યારે ધ્રુવ જુરેલને 8માં નંબર પર જ બેટિંગ માટે મોકલવાનો હતો તો તેને ટીમમાં કેમ રાખવામાં આવ્યો? લોકોનું માનવું છે કે જુરેલને સુંદર અને અક્ષર પહેલા મોકલવો જોઈતો હતો. તે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે તો તેણે ઉપર આવીને બેટિંગ કરવી જોઈતી હતી. જ્યારે ગૌતમ ગંભીર અને સુર્યકુમાર યાદવે શિવમ દુબે-રમણદીપ સિંહ ઉપર ધ્રુવ જુરેલને મહત્વ આપ્યું તો તેના ઉપર ભરોસો પણ કરવો જોઈતો હતો. બંને ટીમો વચ્ચે સિરીઝની ચોથી મેચ 31 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.