રાંચીઃ  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં રોહિત સેનાએ શાનદાર વાપસી કરી છે. આર અશ્વિન અને કુલદીપની ઘાતક બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ત્રીજા દિવસના અંતે પોતાની બીજી ઈનિંગમાં વિના વિકેટે 40 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 27 અને યશસ્વી 16 રન બનાવી ક્રિઝ પર છે. ભારતે મેચ જીતવા માટે 152 તો ઈંગ્લેન્ડને 10 વિકેટની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી ઈનિંગમાં અશ્વિન-કુલદીપનો ઘાતક સ્પેલ
ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાંચીની પિચ પર ભારતીય સ્પિનરોનો દબદબો જોવા મળ્યો હતો. આર અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપી પાંચ વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે 22 રન આપી ચાર સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 46 રનની લીડ મળી હતી, એટલે ભારતે રાંચી ટેસ્ટ જીતવા 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 


ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ઝેક ક્રાઉલીએ સૌથી વધુ 60 રન ફટકાર્યા હતા. આ સિવાય જોની બેયરસ્ટોએ 30 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર ફોક્સ 17 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે બેન ડકેટ 15, ઓલી પોપ 0સ જો રૂટ 11, સ્ટોક્સ 4, ટોમ હાર્ટલે 7, રોબિન્સન 0 અને એન્ડરસન 0 રન બનાવી આઉટ થયા હતા. 


ભારતે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 307 રન
ભારત તરફથી વિકેટકીપર ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગ કરતા 149 બોલમાં 6 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે 90 રન બનાવ્યા હતા. જુરેલની ઈનિંગની મદદથી ભારતીય ટીમ 300ને પાર રન બનાવવામાં સફળ રહી હતી. આ સિવાય યશસ્વીએ 73 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે ભારતે 177 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ નિચલા ક્રમમાં કુલદીપ અને ધ્રુવ જુરેલની મદદથી ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સ્કોરની નજીક પહોંચવામાં સફળ રહી હતી.