IND vs NZ: ગિલની બેવડી સદી, ભારતે 50 ઓવરમાં 8 વિકેટે ફટકાર્યા 349 રન
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં ભારતે રનનો વરસાદ કર્યો છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે 349 રન ફટકારી દીધા છે અને કીવી ટીમને જીત માટે 350 રનનો ટાર્ગેટ આપ્યો છે.
હૈદરાબાદઃ શુભમન ગિલની શાનદાર બેવડી સદી (208 રન, 149 બોલ, 19 ફોર, 9 સિક્સ) ની મદદથી ભારતે પ્રથમ વનડેમાં 50 ઓવરમાં 8 વિકેટે 349 રન ફટકારી દીધા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે. ગિલ સિવાય કોઈપણ ભારતીય બેટર મોટો સ્કોર બનાવી શક્યો નહીં. આ ગિલના વનડે કરિયરની પ્રથમ બેવડી સદી છે. તો ગિલે સતત બીજી વનડેમાં સદી ફટકારી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને 60 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા 38 બોલમાં 2 સિક્સ અને 4 ચોગ્ગાની સાથે 34 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 8 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે ગિલનો સાથ આપ્યો હતો. ગિલ અને સૂર્યા વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યકુમાર 26 બોલમાં 4 ચોગ્ગા સાથે 31 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ IND vs NZ: હૈદરાબાદમાં શુભમન ગિલનો ધમાકો, બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ
હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 28 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર 3 અનો વોશિંગટન સુંદર 12 રન બનાવી આઉટ થયા હતા. અંતમાં કુલદીપ યાદવ 5 અને શમી 2 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી શિપલી અને મિચેલે બે-બે સફળતા મેળવી હતી. આ સિવાય ફર્ગ્યૂસન, સેન્ટનર અને ટિકરને એક-એક વિકેટ મળી હતી.
ગિલે વનડેમાં પૂરા કર્યા 1 હજાર રન
હૈદરાબાદના મેદાન પર ગિલનો જલવો જોવા મળ્યો હતો. ગિલે પોતાની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ તોડી દીધો. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 1000 રન પૂરો કરનાર બેટર ગિલ છે. તેની પહેલા આ રેકોર્ડ વિરાટ અને ધવનના નામે હતો. આ બંનેએ 24-24 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ગિલે 19મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવી દીધો છે.
આ પણ વાંચોઃ રોહિત શર્માએ તોડ્યો એમએસ ધોનીનો રેકોર્ડ, ODI ક્રિકેટમાં બન્યો 'સિક્સર કિંગ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube