ધર્મશાલાઃ આઈસીસી વિશ્વકપ-2023માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે. ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવી 273 રન ફટકાર્યા છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. વિશ્વકપમાં અત્યાર સુધી ભારતે પોતાની ચારેય મેચ લક્ષ્યનો પીછો કરતા જીતી છે. ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ હજુ સુધી અજેય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતમાં ભારતને મળી સફળતા
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 9 રનના સ્કોર પર ડેવોન કોનવે (0) ના રૂપમાં ઝટકો લાગ્યો હતો. કોનવે મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિલ યંગ (17) ને મોહમ્મદ શમીએ બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે માત્ર 19 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી. 


ડેરિલ મિચલ અને રચિન રવિન્દ્રએ કરાવી વાપસી
ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યારબાદ ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્રએ ઈનિંગ સંભાળી હતી. ન્યૂઝીલેન્ડે ધીમી શરૂઆત કરતા પાવરપ્લેમાં માત્ર 34 રન બનાવ્યા હતા. ત્યારબાદ બંને બેટરોએ મજબૂત રીતે ભારતીય બોલિંગ આક્રમણનો સામનો કર્યો હતો. રચિન અને મિચેલે ત્રીજી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી હતી. રચિન રવિન્દ્રએ આ વિશ્વકપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. રવિન્દ્રને રવિન્દ્ર જાડેજાએ એક જીવનદાન પણ આપ્યું હતું. રચિન રવિન્દ્ર 87 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 75 રન બનાવી આઉટ થયો હતો. 


ડેરિલ મિચેલની શાનદાર સદી
ડેરિલ મિચેલે એક છેડો સાચવી રાખી શાનદાર બેટિંગ કરી હતી. મિચેલે પોતાના વનડે કરિયરની પાંચમી સદી ફટકારી હતી. ડેરિલ મિચેલે 101 બોલમાં 7 ચોગ્ગા અને 4 સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી હતી. ડેરિલ મિચેલ 127 બોલમાં 9 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 130 રન બનાવી આઉટ થયો હતો. મિચેલને મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં આઉટ કર્યો હતો. 


ન્યૂઝીલેન્ડનો સ્કોર 204 રન હતો ત્યારે ટીમને ચોથો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ટોમ લાથમ 5 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ગ્લેન ફિલિપ્સ 26 બોલમાં 1 સિક્સ સાથે 23 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. માર્ક ચેપમેન 6 રન બનાવી જસપ્રીત બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. મિચેલ સેન્ટનર 1 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. મેટ હેનરીને પણ શમીએ બોલ્ડ કર્યો હતો.


શમીએ ઝડપી સૌથી વધુ વિકેટ
આ વિશ્વકપમાં પ્રથમ મેચ રમી રહેલા મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 54 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવે 10 ઓવરમાં 73 રન આપી બે સફળતા મેળવી હતી. એક-એક વિકેટ બુમરાહ અને સિરાજને મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube