IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય, આ રહ્યાં હારના 5 કારણ
ન્યૂઝીલેન્ડે ફરી આઈસીસી ઈવેન્ટમાં ભારતને હરાવ્યું છે. આજે કેન વિલિયમસન કેપ્ટન કોહલી પર ભારે પડ્યો હતો. કોહલીની ટીમ તમામ મોરચે ફેલ રહી હતી. ટીમના બેટરો ફ્લોપ રહ્યા તો ફીલ્ડિંગ અને બોલિંગ પણ ખરાબ રહી હતી.
દુબઈઃ વિરાટ કોહલીની આગેવાનીમાં આઈસીસી ઈવેન્ટમાં ભારતનું ખરાબ પ્રદર્શન સતત જારી છે. વિરાટ કોહલી આઈસીસી વિશ્વકપ બાદ ટી20 ટીમની કમાન પણ છોડી દેવાનો છે. આ પહેલા કોહલીની ઈચ્છા ટી20 વિશ્વકપ જીતવાની હતી. પરંતુ આજે ન્યૂઝીલેન્ડ સામે કરો યા મરો મુકાબલામાં ભારતનો 8 વિકેટે કારમો પરાજય થયો છે. આ હાર સાથે ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની રાહ મુશ્કેલ થઈ ગઈ છે. ભારત પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડ સામે હાર્યું છે. આજે ભારતની હારના આ રહ્યાં પાંચ કારણ...
1. નવી ઓપનિંગ જોડી ફળી નહીં
વિરાટ કોહલીએ આજે સૌથી મોટી ભૂલ ઈશાન કિશન સાથે કેએલ રાહુલને ઓપનિંગમાં મોકલીને કરી હતી. એટલે કે કોહલીએ મહત્વની મેચમાં રોહિત પાસે ઓપનિંગ ન કરાવવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે ઈશાન કિશન અને કેએલ રાહુલ ભારતને સારી શરૂઆત અપાવી શક્યા નહીં. બંને બેટ્સમેન પાવરપ્લેમાં આઉટ થઈ ગયા હતા.
2. વિરાટ કોહલી-પંતની ધીમી બેટિંગ
ભારતીય ટીમ ખુબ મુશ્કેલીમાં હતી. ટીમે 48 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આશા કોહલી પાસે હતી. પરંતુ કોહલી ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. રિષભ પંત પણ બોલ ખરાબ કરીને આઉટ થઈ ગયો હતો. કોહલીએ 17 બોલમાં માત્ર 9 રન બનાવ્યા તો પંતે 19 બોલમાં 12 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝટકો, શાકિબ અલ-હસન T20 વિશ્વકપમાંથી થયો બહાર
3. ભારતના બેટરો ખોટા શોટ્સ ફટકારી આઉટ
આજે ભારતીય ટીમના બેટરોનું શોટ સિલેક્શન પણ ખરાબ હતું. તમામ બેટ્સમેન સ્ટ્રાઇક રોટેટ કરવાની જગ્યાએ બાઉન્ડ્રી ફટકારવા જતાં કેચ આઉટ થયા હતા. કોહલી, રોહિત શર્મા, રાહુલ, પંડ્યા જેવા બેટરો જરૂર ન હોય ત્યારે ખોટો શોટ રમી આઉટ થયા હતા.
4. સ્પિનરો સામે ભારત ફેલ
ભારતીય ટીમને સ્પિન બોલરો સામે રમવામાં મજબૂત માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યું છે કે ભારતીય ટીમ સારા સ્પિનર સામે ફ્લોપ થઈ રહી છે. આજે પણ ન્યૂઝીલેન્ડના બંને સ્પિનરોએ ભારતને બાંધીને રાખ્યા હતા. ઈશ સોઢી અને સેન્ટરનરે 8 ઓવરમાં 32 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી.
5. બુમરાહ સિવાય તમામ બોલર ફેલ
ભારતીય ટીમે આજે રન ઓછા બનાવ્યા હતા. ભારત મેચ જીતે એવી એકપણ શક્યતા નહોતી. પરંતુ તેમ છતાં ક્રિકેટ ફેન્સને આશા હતી કે ભારતીય બોલર કોઈ ચમત્કાર કરે. પરંતુ જસપ્રીત બુમરાહ સિવાય કોઈપણ બોલર ભારતને સફળતા અપાવી શક્યા નહીં. મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીને સતત બે મેચમાં કોઈ વિકેટ મળી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube