રાંચીઃ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. રોહિત શર્માની સદીની સાથે જ ભારતે પ્રથમ દિવસે ત્રણ વિકેટે 224 રન બનાવી લીધા છે. મેચની શરૂઆતમાં ભારતની ટપો-ટપ વિકેટ પડી જતાં રોહિતના માથે જવાબદારી આવી ગઈ હતી, પરંતુ તેણે બાજી સંભાળી લીધી હતી. સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માએ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચની શરૂઆતમાં રોહિતની સાથે ઓપનિંગ કરવા ઉતરેલો મયંક અગ્રવાલ ચોથી ઓવરમાં માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 12 રનના સ્કોરે ભારતની પ્રથમ વિકેટ પડી ગઈ હતી. ત્યાર પછી 9મી ઓવરમાં ચેતેશ્વર પુજારા પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ જતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. ત્રીજા ક્રમે રમવા આવેલો કેપ્ટન વિરાટ કોહલી પણ આ વખતે સારું પ્રદર્શન કરી શક્યો નહીં અને 16મી ઓવરમાં માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 


આ રીતે ભારતની 39ના સ્કોર પર ત્રણ વિકેટ પડી ગઈ હતી. ચોથી વિકેટે અજિંક્ય રહાણે રમવા આવ્યો હતો. રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ ત્યાર પછી બાજી સંભાળી લીધી હતી. લંચ સુધી ભારતીય ટીમ દબાણમાં રમી રહી હતી. જોકે, લંચ પછી રોહિતે હાથ ખોલ્યો હતો અને ધીમે-ધીમે તક મળે ત્યારે સારા શોટ મારવાના શરૂ કર્યા હતા. 


સરફરાજ અહમદની છિનવાઇ ગઇ કેપ્ટનશિપ, બદલામાં પાકિસ્તાનને મળ્યા બે નવા કેપ્ટન


કારકિર્દીની હાફ સેન્ચુરી
બીજા સેશનમાં રોહિતે પોતાની અડધી સદી પુરી કરવામાં સમય લીધો, પરંતુ વધુ સમય લગાવ્યો નહીં. તેણે ઈનિંગ્સની 30મી ઓવરમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. આ ઈનિંગ્સમાં રોહિતે 8 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. પોતાની 30 ટેસ્ટમાં 5 સદી ફટકારનારા રોહિતની આ 11મી અડધી સદી હતી. રોહિત અને રહાણેએ ચોથી વિકેટ માટે 100 રનની ભાગીદારી પણ પુરી કરી હતી. 


છગ્ગા સાથે સદી પુરી કરી
આ મેચમાં રોહિતે વનડેના અંદાજમાં પોતાની બેટિંગ કરી અને છગ્ગા સાથે પોતાની સદી પુરી કરી હતી. રોહિતની આ છઠ્ઠી ટેસ્ટ સદી હતી અને શ્રેણીમાં ત્રીજી સદી હતી. આ શ્રેણી રોહિત માટે શાનદાર રહી. વિશાખાપટ્ટનમમમાં રોહિતે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કર્યું હતું અને પ્રથમ ઈનિંગ્સમાં જ 176 રન ફટકાર્યા હતા. ત્યાર પછી મેચની બીજી ઈનિંગ્સમાં પણ રોહિતે 127 રન બનાવ્યા હતા. પુણેમાં રોહિત સફળ રહ્યો નહીં, પરંતુ રાંચીમાં સદી ફટકારીને રોહિતે ચાર ઈનિંગ્સમાં જ ત્રીજી સદી ફટકારી દીધી છે. 


INDvsSA: મયંક અગ્રવાલ તોડી શકે છે સહેવાગનો રેકોર્ડ, રોહિત અને કોહલી પણ રેસમાં


બે હજાર ટેસ્ટ રન પણ પુરા
રોહિતની કારકિર્દીની આ 30મી ટેસ્ટ છે અને આ સદી સાથે રોહિતે પોતાની કારકિર્દીના 2000 રન પણ પુરા કર્યા છે. હવે રોહિતની ટેસ્ટની સરેરાશ 46થી વધુની થઈ ગઈ છે. 


અઝહરુદ્દીનનો રેકોર્ડ પણ તોડ્યો 
રોહિતે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અઝહરૂદ્દીનનો રેકોર્ડ પણ તોડ્યો છે.અઝહરુદ્દીને દક્ષિણ આફ્રિકા સામે 1996-97માં છ ઈનિંગ્સમાં 388 રન બનાવ્યા હતા. રોહિતે જ્યારે 72 રન પુરા કર્યા ત્યારે આ આંકડો પાર કરી લીધો હતો. 


દક્ષિણ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ બે વિકેટ (મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારા) ઝડપી હતી. વિરાટ કોહલીને એનરીજ નોર્ટેજે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. દિવસ પુરો થયો ત્યારે ભારતે 3 વિકેટ ગુમાવીને 224 રન બનાવી લીધા છે. પ્રથમ બે ટેસ્ટ જીતનારી ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને ક્લીન સ્વિપ કરવા માગે છે. 


જુઓ LIVE TV....


ક્રિકેટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....