IND vs SA Test: ડીન એલ્ગરની શાનદાર સદી, બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકા 256/5
Centurion Test: સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે આફ્રિકાએ ભારત પર 11 રનની લીડ મેળવી લીધી છે અને તેની પાંચ વિકેટ બાકી છે.
IND vs SA Centurion Test 2nd Day: દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ ન જીતી શકેલી ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં મુશ્કેલીમાં છે. બે મેચની ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમ પાછળ છે. સેન્ચુરિયનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આફ્રિકાએ બીજા દિવસે 11 રનની લીડ મેળવી લીધી છે અને તેની પાસે 5 વિકેટ બાકી છે.
આજે બીજા દિવસે ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 245 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવી 256 રન બનાવી લીધા છે. પોતાના કરિયરની અંતિમ ટેસ્ટ સિરીઝ રમી રહેલ ડીન એલ્ગર 140 રન બનાવી નોટઆઉટ છે. જો સાઉથ આફ્રિકા ત્રીજા દિવસે મોટી લીડ લઈ લેશે તો ભારતીય ટીમ માટે વાપસી મુશ્કેલ થઈ જશે. માત્ર બે ટેસ્ટ મેચ હોવાને કારણે ભારતીય ટીમને વાપસી કરવાની તક મળશે નહીં.
મેચમાં પ્રથમ દિવસે વરસાદ નડ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 208 રન બનાવ્યા હતા. અહીંથી કેએલ રાહુલ સંકટમોચકબન્યો હતો અને તેણે બીજા દિવસે પોતાની સદી પૂરી કરી હતી. કેએલ રાહુલ 101 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે ભારતીય ટીમની ઈનિંગનો અંત થયો હતો. ભારતીય ટીમ બીજા દિવસે 245 રનમાં આઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ વર્ષ 2024માં ટી20 વિશ્વકપ સહિત આ સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી હતી. આફ્રિકાએ 11 રનના સ્કોર પર એડન મારક્રમ (5) ની વિકેટ ગુમાવી હતી. તે સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ડીન એલ્ગર અને ટોની ડિ ઝોર્ઝીએ 93 રનની ભાગીદારી કરી આફ્રિકાને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતું. ટોની 28 રન બનાવી આઉટ થયો હતો. 113 રનના કુલ સ્કોર પર આફ્રિકાએ કીગન પીટરસન (2) ની પણ વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને સફળતા બુમરાહને મળી હતી.
ડીન એલ્ગરે એક છેડો સાચવ્યો હતો. ચોથી વિકેટ માટે તેણે ડેવિડ બેડિંઘમની સાથે મળી 131 રનની ભાગીદારી કરી ટીમને લીડમાં લાવી દીધી હતી. 244 રનના સ્કોર પર ડેવિડ 56 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિકેટકીપર કાઈલ વેરીન (4) રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો.
બીજા દિવસની રમતના અંતે આફ્રિકાની ટીમે 5 વિકેટના નુકસાને 256 રન બનાવ્યા છે. એલ્ગર 140 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. એટલે કે આફ્રિકાની નજર મોટી લીડ લેવા પર હશે જ્યારે ભારતીય ટીમ આફ્રિકાને જલ્દી આઉટ કરવા ઈચ્છશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube