IND vs SL: શ્રીલંકા સામે બીજી ટી20 આજે, ઈન્દોરમાં ક્યારેય હાર્યું નથી ભારત
ગુવાહાટીમાં પ્રથમ મેચમાં એકપણ બોલ ન ફેંકાયા બાદ કોહલી પાસે શરૂઆતી ટી20 મેચની અંતિમ ઇલેવનમાં ફેરફારની સંભાવના નથી. જેમાં તેણે ત્રણ નિષ્ણાંત ફાસ્ટ બોલર અને બે સ્પિનરોને પસંદ કર્યાં હતા.
ઈન્દોરઃ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી-20 મેચોની સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા મંગળવારે ઈન્દોરમાં ઉતરશે. આ મેચ સાંજે સાત કલાકે શરૂ થશે. હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી. ત્રણેય ફોર્મેટની વાત કરીએ તો અત્યાર સુધી અહીં 8 આંતરરાષ્ટ્રીય મેચ (2 ટેસ્ટ, 5 વનડે, 1 ટી20 આંતરરાષ્ટ્રીય) રમાઇ ચુક્યા છે અને તમામમાં ભારતે જીત હાસિલ કરી છે.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં અત્યાર સુધી એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ હતી અને ત્યારે પણ ભારતે શ્રીલંકાની યજમાની કરી હતી. ડિસેમ્બર 2017માં મોટા સ્કોર વાળી આ મેચમાં રોહિતે 43 બોલમાં 118 જ્યારે રાહુલે 49 બોલમાં 89 રન બનાવ્યા, જેની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 260 રનનો સ્કોર બનાવ્યો અને પછી 88 રનથી મેચ જીતી હતી.
શિખર ધવનને ઓપનિંગ બેટ્સમેનની રેસમાં કેએલ રાહુલને પછાડવા માટે એક મેચ ઓછી મળશે. ઈન્દોરમાં શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ભારતની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં તે ફોર્મમાં ચાલી રહેલા પોતાના સાથીથી સારૂ પ્રદર્શન કરવાના ઈરાદાથી ઉતરશે.
'83'ની ટીમે VIDEO શેર કરીને કપિલ દેવને કરી સલામ, રણવીરના લુકથી બધા સ્તબ્ધ
સીમિત ઓવરોની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ધવન 34 વર્ષનો થઈ ગયો છે, જ્યારે રાહુલ હજુ માત્ર 27નો છે. જેથી આ વર્ષે રમાનારા ટી20 વિશ્વકપમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે દિલ્હીના ધવન પાસે વધુ સમય નથી.
ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવવા પર હશે. વિરાટ કોહલી ગુવાહાટીમાં રદ્દ થયેલી મેચમાં પસંદ કરેલી અંતિમ ઇલેવનમાં કોઈ ફેરફાર કરશે નહીં. તેથી યુજવેન્દ્ર ચહલે બહાર બેસવું પડશે. બીજીતરફ ભારતીય ટીમ કુલદીપ યાદવ અને વોશિંગટન સુંદરની સ્પિન જોડી સાથે મેદાનમાં ઉતરશે. તો બુમરાહનો સાથ આપવા માટે શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની હશે. રિષભ પંત પાસે પણ પોતાના આલોચકોને જવાબ આપવા માટે સારી તક છે. છેલ્લા કેટલાક સમયથી પંતની બેટિંગ અને વિકેટકીપિંગ સામે સવાલો ઉઠી રહ્યાં છે.
સંભવિત પ્લેઇંગ XI
ભારતઃ વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, વોશિંગટન સુંદર, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર.
શ્રીલંકાઃ લસિથ મલિંગા, અવિષ્કા ફર્નાન્ડો, દાનુષ્કા ગુણાતિલકા, કુસલ પરેરા, ઓશાને ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા, ઇસુરુ ઉડાના, વાનિંદુ હસારંગા, લાહિરુ કુમારા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube