વિરાટ કોહલી માટે ખુશખબર, 100મી ટેસ્ટ માટે બીસીસીઆઈએ આપી મોટી ભેટ
India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ વિરાટ કોહલીની 100મી ટેસ્ટ હશે. આ મેચ પહેલાં બીસીસીઆઈએ મોટી જાહેરાત કરી છે.
મોહાલીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ મેચની સાથે ભારતીય ક્રિકેટ ટીમના એક નવા યુગની શરૂઆત થઈ જશે. રોહિત શર્મા પ્રથમવાર ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે. આ વિરાટ કોહલીના કરિયરની 100મી ટેસ્ટ હશે. હવે બીસીસીઆઈએ કોહલીને 100મી ટેસ્ટ મેચ પહેલા મોટી ભેટ આપી છે.
બીસીસીઆઈએ આપી મોટી ભેટ
વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ શ્રીલંકા વિરુદ્ધ મોહાલીમાં રમશે. તે માટે બીસીસીઆઈએ 50 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપી છે. વિરાટ કોહલી ભારત તરફથી 100મી ટેસ્ટ મેચ રમનાર 12મો ભારતીય બનશે. હવે મેદાન પર દર્શક પણ તેની 100મી ટેસ્ટના સાક્ષી બનશે. વિરાટ કોહલી પોતાની દમદાર બેટિંગ માટે જાણીતો છે. પરંતુ તે વર્ષ 2019 બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.
શાનદાર રહ્યુ છે કોહલીનું કરિયર
વિરાટ કોહલી વર્તમાનમાં વિશ્વનો નંબર વન બેટર છે. તેણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે. સચિન બાદ સૌથી વધુ સદી વિરાટ કોહલીએ (71) ફટકારી છે. તેની પાસે ગમે તે વિકેટ પર રન બનાવવાની ક્ષમતા છે. કોહલીએ ભારત માટે 99 ટેસ્ટ મેચમાં 7962 રન, 250 વનડેમાં 12285 રન અને 92 ટી20 મેચમાં 3296 રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર હતો આ ખેલાડી, અચાનક લેવી પડી નિવૃતિ
100મી ટેસ્ટમાં સદીની આશા
ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવી બધાનું સપનું હોય છે, પરંતુ 100મી ટેસ્ટમાં સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય છે. અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 9 ખેલાડી પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી ચુક્યા છે. સૌથી પહેલા ઈંગ્લેન્ડના કોલિન કાઉન્ડ્રેએ વર્ષ 1968માં 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સિવાય જાવેજ મિયાંદાદ, ગોર્ડન ગ્રીનીજ, એલેક સ્ટીવર્ટ, ઇંઝમામ ઉલ હક, રિકી પોન્ટિંગ, ગ્રીમ સ્મિથ, હાશિમ અમલા અને જો રૂટે આ સિદ્ધિ મેળવી છે. હવે વિરાટ કોહલી પાસે આ સિદ્ધિ મેળવવાની તક છે.
ભારતીય ટેસ્ટ ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube