નવી દિલ્હીઃ ભારતે શ્રીલંકાને બીજી ટી20 મેચમાં 7 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી20 સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત સામે બીજી ટી20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 161 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ભારતની ઈનિંગ શરૂ થઈ તો વરસાદ પડ્યો હતો. અંતે ભારતને જીત માટે 8 ઓવરમાં 78 રનની ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની બેટિંગ
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. યુવા ઓપનર યશસ્વીએ 15 બોલમાં 3 ચોગ્ગા અને બે સિક્સ સાથે 30 રન બનાવ્યા હતા. સંજૂ સેમસન શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 26 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 9 બોલમાં 22 અને રિષભ પંત 2 રન બનાવી અણનમ રહ્યાં હતા.


ભારતના બોલરોનું શાનદાર પ્રદર્શન
શ્રીલંકાની ટીમે એક સમયે 15 ઓવરમાં બે વિકેટે 130 રન બનાવી લીધા હતા. ત્યારબાદ ભારતના બોલરોએ શાનદાર વાપસી કરતા યજમાન ટીમને 161 રનનો સ્કોર પર રોકી લીધી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 26 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને બે-બે સફળતા મળી હતી. 


શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ અડધી સદી ફટકારતા 34 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 53 રન બનાવ્યા હતા. આ સિવાય પથુમ નિસંકાએ 24 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. કામિન્ડુ મેન્ડિસે 26, અસલંકાએ 14 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રીલંકાનો કોઈપણ બેટર મોટી ઈનિંગ રમી શક્યો નહીં.