IND vs SL: બીજી ટી-20માં શ્રીલંકાનો 4 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર
શ્રીલંકાએ કોલંબોમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથએ સિરીઝમાં પણ બરોબરી કરી લીધી છે.
કોલંબોઃ શ્રીલંકાએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપી ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. હવે ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચ આવતીકાલે રમાશે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 132 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાએ 19.4 ઓવરમાં 6 વિકેટે 133 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ભુવનેશ્વરે ભારતને અપાવી શરૂઆતી સફળતા
ભારતે આપેલા 133 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આવિષ્કા ફર્નાન્ડો 11 રન બનાવી ઈનિંગની ત્રીજી ઓવરમાં ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. શ્રીલંકાએ પાવરપ્લેમાં 1 વિકેટે 36 રન બનાવ્યા હતા.
સ્પિનરોએ ભારતની કરાવી વાપસી
પાવરપ્લે બાદ ભારતના સ્પિન બોલરોએ તરખાટ મચાવ્યો હતો. વરૂણ ચક્રવર્તીએ સમિરાવિક્રમા (8)ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ કુલદીપ યાદવે દસુન શનાકા (3) અને મિનોદ ભાનુકા (36)ને આઉટ કર્યા હતા. રાહુલ ચાહરે હસરંગાને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. રમેશ મેન્ડિસ 2 રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચોઃ Tokyo Olympics: દાઝી ગયો હતો હાથ, પિતાએ સાથ ન આપ્યો, મુશ્કેલીથી ભરેલી છે પૂજા રાનીની સફર
ધનંજય ડિ સિલ્વાએ અણનમ 40 અને ચમિકા કરૂણારત્નેએ અમનમ 12 રન બનાવી શ્રીલંકાને જીત અપાવી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરિયા, વરૂણ ચક્રવર્તી અને રાહુલ ચહરને એક-એક સફળતા મળી હતી.
ભારત નવી ઓપનિંગ જોડી સાથે ઉતર્યુ
કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારતના આઠ ખેલાડીઓને પણ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ભારત આજે નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યુ હતું. શિખર ધવનની સાથે પર્દાપણ કરી રહેલા રુતુરાજ ગાયકવાડે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં વિના વિકેટે 45 રન બનાવ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો ગાયકવાડ (21)ના રૂપમાં લાગ્યો હતો.
શિખર ધવને સૌથી વધુ 40 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયા તરફથી શિખર ધવને સૌથી વધુ 40 રનની ઈનિંગ રમી હતી. ધવનની આ ઈનિંગ ધીમી રહી હતી. તેણે 42 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં પર્દાપણ કરી રહેલ દેવદત્ત પડિક્કલ માત્ર 29 રન બનાવી આઉટ થયો હતો. પડિક્કલે 23 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: સાતમાં દિવસે આવો છે ભારતનો કાર્યક્રમ, મેરી કોમ અને પીવી સિંધુ એક્શનમાં
સંજૂ સેમસન 7 રન બનાવી ધનંજયાની ઓવરમાં બોલ્ડ થયો હતો. પોતાની પ્રથમ મેચ રમી રહેલ નીતીશ રાણા માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમારે અણનમ 13 અને નવદીપ સૈનીએ અણનમ 1 રન બનાવ્યો હતો.
શ્રીલંકા તરફથી ધનંજયાએ 29 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ચમીરા, હસરંગા અને શનાકાને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube