IND vs WI, 2nd Test : વિન્ડિઝના 311ના જવાબમાં ભારતના 4 વિકેટે 308
બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝના રોસ્ટન ચેઝે સદી પૂરી કરી, ભારતનો ઉમેશ યાદવ 6 વિકેટ મેળવી સૌથી સફળ બોલર રહ્યો, રહાણે(75) અને રિષભ પંત(85) રન સાથે ક્રિઝ પર
હૈદરાબાદઃ અહીં રમાઈ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતનું પલડું મજબૂત થયું છે. વેસ્ટ ઈન્ડિઝના 311ના જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 308 રન બનાવી લીધા છે અને હજુ 6 વિકેટ બાકી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 7 વિકેટે 295ના સ્કોરમાં માત્ર 16 રન બીજા ઉમેરી શકી અને ઓલ આઉટ થઈ ગઈ હતી.
બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે 295/7 વિકેટે રમવાનું શરૂ કર્યું હતું.
જોકે, ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને વધુ રન બનાવવા દીધા ન હતા. વેસ્ટ ઈન્ડિઝના રોસ્ટન ચેઝે તેની સદી પુરી કરી હતી અને 106 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. અન્ય ખેલાડી વધુ રમી શક્યા ન હતા અને ટીમ 311ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઉમેશની 6 વિકેટ
ભારતનો ઉમેશ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 6 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 3 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. ઉમેશે તેની કારકિર્દીમાં આ પ્રથમ વખત 6 વિકેટ લીધી હતી. આ સાથે જ વર્ષ 2000 બાદ એક ઈનિંગ્સમાં 6 વિકેટ લેનારો ઉમેશ યાદવ પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના 311ના જવાબમાં રમવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર લોકેશ રાહુલ અને પૃથ્વી શોએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. પૃથ્વી શોએ અત્યંત ઝડપી રમત દેખાડી હતી અને માત્ર 39 બોલમાં અડધી સદી પુરી કરી લીધી હતી. તે 53 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ પુજારા માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
વિરાટ કોહલી અજિંક્ય રહાણે સાથે 60 રનની ભાગીદારી કરીને 45 રને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ રહાણે અને રિષભ પંતે બાજી સંભાળી લીધી હતી. બંને ટીમનો સ્કોર 308 રન સુધી લઈ ગયા છે. રમત પુરી થઈ ત્યારે રહાણે(75) અને રિષભ પંત(85) રન સાથે ક્રિઝ પર છે.
બીજા દિવસની રમતના અંતે ભારતે 4 વિકેટ ગુમાવીને 308 રન બનાવી લીધા છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ ઈનિંગ્સના 311ના સ્કોરથી માત્ર 3 રન પાછળ છે. રાજકોટની જેમ જ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝને મોટો પડકાર આપે તેવી શક્યતા જણાઈ રહી છે.