પોલાર્ડ પર દંડ, અમ્પાયરનો આદેશ ન માનવા પર ડિમેરિટ પોઈન્ટ
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી પોલાર્ડ પર ભારત વિરુદ્ધ ફ્લોરિડામાં બીજી ટી20 મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાનું પાલન ન કરવાને કારણે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દુબઈઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી પોલાર્ડ પર ભારત વિરુદ્ધ ફ્લોરિડામાં બીજી ટી20 મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાનું પાલન ન કરવાને કારણે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ જોડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કહ્યું કે, પોલાર્ડે આચાર સંહિતાની કલમ 2.4નું ઉલ્લંઘન કર્યું છે.
આ ઘટના ત્યારે બની જ્યારે પોલાર્ડે મેદાન પર એક સબ્સ્ટીટ્યૂટને બોલાવી લીધો, જ્યારે અમ્પાયરોએ વારંવાર કહ્યું હતું કે, તે માટે પહેલા વિનંતી કરવાની હોય છે. તેને આગામી ઓવરના અંત સુધી રાહ જોવાનું કહ્યું હતું પરંતુ પોલાર્ડે તેમ ન કર્યું.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમના આધાર પર 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પોલાર્ડે આરોપોનું ખંડન કર્યું અને મેચ રેફરી જૈફ ક્રોવની સામે સુનાવણી કરવામાં આવી હતી.
India vs West Indies 3rd T20: ક્લીન સ્વીપ કરવાના ઈદારાથી ઉતરશે ભારતીય ટીમ
આઈસીસીએ કહ્યું, 'પોલાર્ડને સુનાવણીમાં દોષ ઠેરવવામાં આવ્યો.' તેણે મેચ ફીના 20 ટકાનો દંડ ભરવો પડશે અને તેના પર એક ડિમેરિટ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યો છે. બે વર્ષની અંદર કોઈ ખેલાડીના ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ થવા પર તે સસ્પેન્ડ પોઈન્ટ બની જાય છે અને ખેલાડીએ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.