Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીત
હરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.
IND vs AUS Paris Olympic Hockey Match : હરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેસિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા સામે મેચમાં ભારત 3-2થી શાનદાર જીત મેળવી છે. આ જીતની ખાસ વાત તે રહી કે એસ્ટ્રો ટર્ફ પર ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું છે. ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને છેલ્લે 1972માં હરાવ્યું હતું. ત્યારે મેચ ઘાસના ગ્રાઉન્ડ પર રમાતી હતી. હરમનપ્રીતની સેના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી ચૂકી છે.
શરૂઆતમાં ભારતે મેળવી લીડ
ભારતીય ખેલાડીઓએ મેચની શરૂઆતમાં આક્રમક હોકી રમી હતી. ભારતે પ્રથમ ક્વાર્ટરથી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ભારતની આક્રમક રમતને કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલ કરી 2-0ની લીડ મેળવી લીધી હતી. ભારત માટે પ્રથમ ગોલ અભિષેકે કર્યો જ્યારે બીજો ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યો હતો. જ્યારે ભારતે પેનલ્ટી કોર્નરનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
હાફ ટાઈમ સુધી ભારતે 2-1ની લીડ બનાવી રાખી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ બીજા ક્વાર્ટરમાં એક ગોલ કરી વાપસીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી ગોલ કરી સ્કોર 3-1 કરી દીધો હતો. હરમનપ્રીત સિંહે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતનો સ્કોર 3-1 રહ્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ કર્યો ગોલ
ઓસ્ટ્રેલિયાએ ચોથા ક્વાર્ટરમાં ફરી એક ગોલ કર્યો હતો. પરંતુ અંતિમ સમયમાં ભારતે શાનદાર રમત દાખવી હતી. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રહારના બચાવ પણ કર્યાં હતા. અંતે ભારતે મેચ 3-2થી જીતી લીધી હતી.