IND vs ZIM: 24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની સિરીઝની બીજી ટી20 મેચમાં 100 રને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. ભારતે પ્રથમ મેચમાં થયેલા પરાજયનો પણ બદલો લઈ લીધો છે.
હરારેઃ અભિષેક શર્માની શાનદાર સદી (100 રન) બાદ ગાયકવાડ અને રિંકૂ સિંહની આક્રમક બેટિંગની મદદથી ભારતીય ટીમે બીજી ટી20 મેચમાં ઝિમ્બાબ્વેને 100 રને પરાજય આપ્યો છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 234 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ટી20 મેચમાં પરાજય બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે.
અભિષેક શર્માની શાનદાર સદી
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને 10 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન શુભમન ગિલ 2 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્માએ મોર્ચો સંભાળ્યો હતો. પ્રથમ મેચમાં શૂન્ય રન બનાવી આઉટ થનાર અભિષેકે શાનદાર સદી ફટકારી હતી. અભિષેકે પોતાના ટી20 કરિયરની બીજી ઈનિંગમાં સદી ફટકારી છે. અભિષેક શર્મા 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 સિક્સ સાથે 100 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક અને રુતુરાજ ગાયકવાડે બીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી પણ કરી હતી.
ગાયકવાડની અડધી સદી, રિંકૂની વિસ્ફોટક ઈનિંગ
ભારતીય ટીમે 147 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રિંકૂ સિંહ અને રુતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ અંતિમ છ ઓવરમાં 87 રન ફટકારી દીધા હતા. ગાયકવાડ 47 બોલમાં 11 ફોર અને 1 સિક્સ સાથે 77 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રિંકૂ સિંહે 22 બોલમાં 5 સિક્સ અને 2 ચોગ્ગા સાથે અણનમ 48 રન બનાવ્યા હતા. ભારતે અંતિમ 10 ઓવરમાં 160 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ BCCI સચિવ જય શાહે કરી દીધો રોહિતના ભવિષ્ય પર મોટો નિર્ણય, સાંભળીને ખુશ થઈ જશે ફેન્સ
ઝિમ્બાબ્વેના બેટરોનું ખરાબ પ્રદર્શન
પ્રથમ ઓવરમાં ઝિમ્બાબ્વેની વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો હતો. મુકેશ કુમારે ઈનોસેન્ટ કાઇયાને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ બ્રાયન બેનેટે પણ ઝડપથી રન બનાવ્યા હતા. 3 ઓવરમાં ઝિમ્બાબ્વેએ 40 રન બનાવી લીધા હતા પરંતુ પછી મુકેળે 9 બોલ પર 26 રન બનાવનાર બ્રાયનને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ઝિમ્બાબ્વેની વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો હતો. ચોથી ઓવરમાં આવેશ ખાને બે વિકેટ લીધી હતી. તેણે ડિઓન માઇયર્સ અને કેપ્ટન સિકંદર રઝાને આઉટ કર્યાં હતા.
વેલ્સી મધેવેરે ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ 43 રન બનાવ્યા, પરંતુ તેણે 39 બોલનો સામનો કર્યો હતો. નિચલા ક્રમમાં લ્યૂક જોંગ્વેએ 33 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેની ટીમ 19 ઓવરમાં 134 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે મુકેશ કુમાર અને આવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 11 રન આપી બે સફળતા મેળવી હતી. સિરીઝની ત્રીજી મેચ આ મેદાન પર બુધવારે રમાશે.