શારજાહઃ ભારતીય ફુટબોલ ટીમને અલ શારજાહ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપના ગ્રુપ-એના પોતાના ત્રીજા મેચમાં બહરીન વિરુદ્ધ 0-1થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી ભારતે એએફસી એશિયન કપના નોકઆઉટમાં પહોંચવાની સુવર્ણ તક ગુમાવી દીધી છે. ભારતે નોકઆઉટમાં પહોંચવા માટે આ મેચમાં જીત કે ડ્રો કરવાની જરૂર હતી. તેણે 91મી મિનિટ સુધી બહરીનને રોક્યું પરંતુ અંતિમ ક્ષણમાં એક પોઈન્ટ મેળવવાની તક ગુમાવી જે તેને ભારે પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચમાં ભારતીય કેપ્ટન પ્રણય હલ્દરની ભૂલથી બહરીનને પેનલ્ટી મળી જેને જમાલ રાશિદે ગોલમાં ફેરવવામાં કોઈ ભૂલ ન કરી. ભારતે પોતાના પ્રથમ મેચમાં થાઈલેન્ડને 4-1થી હરાવ્યું હતું પરંતુ તે યજમાન યૂએઈ સામે 0-2થી હારી ગયું હતું. ભારતને શરૂઆતમાં ડિફેન્ડર અનસ ઇથાહોડિકાને ઈજા થવાની ઝટકો લાગ્યો હતો અને ચોથી મિનિટમાં કોચ સ્ટીફન કાન્સટેનટાઇને તેના સ્થાને એસ રંજન સિંહને ઉતારવો પડ્યો હતો. 


ભારતને ડિફેન્સમાં અનસની ખોટ પડી પરંતુ હલ્દર અને સંદેશ ઝિંગાન સારૂ રમ્યા હતા. બંન્ને ટીમોએ શરૂઆતમાં આક્રમક વલણ અપનાવ્યું હતું અને એક બીજા પર હુમલા કર્યા હતા. ભારતની પાસે 13મી મિનિટે તક હતી જ્યારે હાલીચરણ નરજારીના ક્રોસને બહરીનના ખેલાડીએ બચાવી પરંતુ પ્રીતમ કોટાલે બોલ પર કબજો કરીને તેને આશિક કરૂનિયાન તરફ આગળ મોકલ્યો હતો. તેના હેડરને બહરીનના ગોલકીપર સૈયદ શુબ્બારે આસાનીથી બચાવી લીધો હતો. ભારતીય ટીમ હાવી થઈને રમી રહી હતી. 


મેચની 28મી મિનિટમાં હલ્દર, ઉદાંતા સિંહ, આશિક અને નરજારી સારા તાલમેલની સાથે બહરીનના ગોલ તરફ વધ્યા હતા. હલ્દરે અંતે નરજારીને બોલ આપ્યો જેણે બોક્સમાં રહેલા સુનીલ છેત્રીની પાસે મોકલ્યો પરંતુ અલ શમસાને બહરીન પર આવેલું સંકટ ટાળી દીધું હતું. બહરીન અડધી કલાકની રમત બાદ વધુ આક્રમક બન્યું હતું. તે 33મી મિનિટે પ્રથમવાર ગોલ કરવાની સ્થિતિમાં પહોંચ્યું પરંતુ સંદેશ ઝિંગાને શાનદાર બચાવ કરતા ભારતને સુરક્ષિત રાખ્યું હતું. ત્યારે અહમદ જૂમાએ બોક્સની અંદર મોહમ્મદ અલ રોમેહીને બોલ આપ્યો હતો. ત્યારબાદ મેચની 39મી મિનિટે હલ્દરે શાનદાર બચાવ કર્યો હતો. 


હલ્દરે પોતાની આગેવાનીની ભૂમિકાથી પ્રથમ હાફના ઇંજરી ટાઇમમાં પણ પૂરી રીતે ન્યાય આપ્યો જ્યારે તેણે જુમાના કોર્નરને હેડરથી બચાવીને મધ્યાંતર સુધી મેચને ગોલરહીત બરોબરી પર રાખ્યો હતો. બહરીન પાસે 60મી મિનિટે ગોલ કરવાની શાનદાર તક હતી પરંતુ ઝિંગાનની પ્રશંસા કરવી પડે જેણે ભારત માટે સંકટ ખાળી દીધું હતું. તેની છ મિનિટ બાદ ઉદાન્તા સિંહે અબ્દુલ્લા યૂસુફને ગોલ કરવાથી રોક્યો હતો. 


બહરીન મેચમાં હાવી હતું અને ભાકત ભાગ્યશાળી રહ્યું જે, 71મી મિનિટે ગોલ ખાવાથી બચી ગયું હતું. ત્યારે ઝિંગાન ચુકી ગયો પરંતુ સ્થાનાપન્ન મોહમ્મદ મહરૂનનો શોટ ગોલપોસ્ટને ટકરાઈ ગયો હતો. મેચની 85મી મિનિટમાં ગોલકીપર ગુરપ્રીત સિંહે પણ એક હાથે સારો બચાવ કર્યો હતો. ભારત 1964માં આ ટુરનામેન્ટમાં રનર્સઅપ રહ્યું હતું પરંતુ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ હતી અને માત્ર ચાર ટીમોએ તેમાં ભાગ લીધો હતો.