નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ ભારતીય ક્રિકેટ બોર્ડને આગામી એડિશનની યજમાની આપી છે. આગામી વર્ષે આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. ભારતમાં છેલ્લે 1990-1991માં એશિયા કપનું આયોજન થયું હતું. ત્યારે કોલકત્તામાં ભારતે શ્રીલંકાને હરાવી ટ્રોફી કબજે કરી હતી. તો 2027માં એશિયા કપ બાંગ્લાદેશની ધરતી પર રમાશે. બાંગ્લાદેશમાં વનડે ફોર્મેટમાં એશિયા કપનું આયોજન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસીસીના ટેન્ડર ડોક્યુમેન્ટ પ્રમાણે મેન્સ એશિયા કપની આગામી સીઝનમાં 13 મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં છ ટીમો (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન) ટાઈટલ માટે ટકરાશે. છઠ્ઠી ટીમની પસંદગી ક્વોલીફાઇંગ ઈવેન્ટ દ્વારા થશે. પરંતુ ભારતમાં એશિયા કપ ક્યારે રમાશે, તેની જાણકારી સામે આવી નથી. એસીસીના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં રમાઈ શકે છે. ડોક્યુમેન્ટમાં પુરૂષ અન્ડર-19 એશિયા કપનો પણ ઉલ્લેખ છે, જે 2024, 2025, 2026 અને 2027માં આયોજીત થશે. 


ભારત એશિયા કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે પાછલા વર્ષે શ્રીલંકાને 10 વિકેટે હરાવી ટ્રોફી જીતી હતી. પાછલા વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસે હતી, જેનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. હકીકતમાં ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કર્યો હતો. ભારતે પોતાની બધી મેચ શ્રીલંકામાં જ્યારે પાકિસ્તાને પોતાની કેટલીક મેચ ઘરમાં રમી હતી. ભારતનું 2027 સુધી ખુબ વ્યસ્ત શેડ્યૂલ છે. ભારત આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની સામે લિમિટેડ ઓવરની સિરીઝ રમશે. ફેબ્રુઆરી-માર્ચમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેની યજમાની પાકિસ્તાન પાસે છે. 


ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં, તેની હજુ ખાતરી થઈ નથી. ભારતીય ખેલાડીઓ માર્ચથી મે સુધી આઈપીએલ 2025માં વ્યસ્ત રહેવાના છે. ટીમ ઈન્ડિયા જૂન અને ઓગસ્ટમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને પછી બાંગ્લાદેશમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે. ભારતે બાંગ્લાદેશની સિરીઝ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.