બેંગલુરૂ : અફઘાનિસ્તાન સાથેની પ્રથમ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય થયો છે. ભારતે અફઘાનિસ્તાનને મોટી લીડ સાથે ફોલો ઓન કર્યા બાદ અફઘાનિસ્તાનને બંને દાવમાં નજીવા સ્કોરમાં આઉટ કરી કારમી હાર આપી છે. ભારતે એક ઇનિંગ અને 262 રનથી જીત હાંસિલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાન સાથેની એક માત્ર ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં અફઘાનિસ્તાનના ખેલાડીઓને પ્રથમ દાવમાં માત્ર 109 રનમાં આઉટ કરી દેતાં ફોલો ઓન થયું છે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચના બીજા દિવસે સવારના પ્રથમ સેશનમાં ભારતે છ વિકેટે 347 રનથી રમવાનું આગળ શરૂ કર્યું હતું. જેમાં 474 રનમાં ટીમ ઇન્ડિયા ઓલ આઉટ થઇ હતી. જેના જવાબમાં અફઘાનિસ્તાનના બેટ્સમેન સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. કોઇ ખેલાડી પીચ પર લાંબુ ટકી શક્યો ન હતો ટીમ આખી માત્ર 109 રનમાં ઓલ આઉટ થઇ હતી. 


ભારત તરફથી આર અશ્વિને ઘાતક બોલિંગ ફેંકી હતી. આઠ ઓવરમાં માત્ર 27 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ બે બે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવને પણ એક વિકેટ મળી હતી. તો અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ 24 રન મોહમ્મદ નબીએ બનાવ્યા હતા. મુજીબ ઉર રહમાને 15, મોહમ્મદ શહજાદ અને રહમત શાહે 14-14 રન બનાવ્યા હતા. જ્યારે હશમતુલ્લાહ શાહિદી અને કેપ્ટન અસગર સ્ટાનિકજાઇએ 11-11 રન બનાવ્યા હતા. 


અફઘાનિસ્તાને પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં સૌથી ઓછી ઓવર રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આખી ટીમ માત્ર 27.5 ઓવરમાં ઓલ આઉટ થઇ હતી. જ્યારે આ અગાઉ ન્યૂઝીલેન્ડ 47.1 ઓવરમાં પોતાની પહેલી ટેસ્ટ મેચમાં ઓલ આઉટ થઇ હતી. બાંગ્લાદેશ પોતાની પહેલી ટેસ્ટ મેચમાં બીજા દાવમાં માત્ર 46.3 ઓવર જ રમી શકી હતી. આ મેચ સાથે અફઘાનિસ્તાન સૌથી ઓછી ઓવર રમનાર ટીમ બની છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન એવી ટીમ બની છે જે સૌથી મોટી લીડ સાથે ફોલો ઓન થઇ હોય. અફઘાનિસ્તાન આ મેચમાં 365 રનથી પાછળ છે. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝ 1928માં 224 રનની લીડથી ફોલો ઓન થયું હતું. 


ભારતે પ્રથમ દાવ લેતાં 474 રને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જેના જવાબમાં રમતાં અફઘાનિસ્તાન પ્રથમ દાવમાં માત્ર 109 રનમાં ઓલ આઉટ થયું હતું. 365 રનની લીડ સાથે અફઘાનિસ્તાન બીજા દાવમાં ઉતર્યું હતું. જોકે બીજા દાવમાં પણ રકાસ થયો હતો. માત્ર 103 રનમાં અફઘાન ખેલાડીઓ ઓલ આઉટ થયા હતા. આમ ભારતે ઐતિહાસિક પ્રથમ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને એક ઇનિંગ અને 262 રનથી કારમો પરાજય આપ્યો હતો.