INDvsBAN: બાંગ્લાદેશને 17 રને હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશ
બાંગ્લાદેશને હરાવી ભારતે નિહદાસ ટ્રોપીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
કોલંબોઃ ભારતે બાંગ્લાદેશને 17 રને હરાવીને નિહદાસ ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતે આપેલા 177 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશ 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. ભારત તરફથી વોશિંગટન સુંદરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો બેટ્સમેન રહીમ 72 રન બનાવી અણનમ રહ્યો હતો.
177 રનના ટાર્ગેટને હાસિલ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. મેચની બીજી ઓવરમાં વોશિંગટન સુંદરે ભારતને પ્રથમ સફળતા અપાવી, 7 રને રમી રહેલા લિટન દાસને સુંદરે આઉટ કર્યો હતો. સુંદરે તેના પછીની ઓવરમાં બાંગ્લાદેશને બીજો ઝટકો આપ્યો તેણે સોમ્ય સરકારને બોલ્ડ કર્યો હતો. સુંદરે તેની ત્રીજી ઓવરમાં શાનદાર બેટિંગ કરી રહેલા તમિમ ઇકબાલને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. તમિમે 19 બોલમાં 27 રન બનાવ્યા હતા. યુજવેન્દ્ર ચહલે બાંગ્લાદેશના કેપ્ટન મહમદુલ્લાહને રાહુલના હાથમાં ઝીલાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી.
ત્યારબાદ શબ્બીર રહમાન અને મુશ્ફિકુર રહીમે શાનદાર બેટિંગ કરીને બાંગ્લાદેશને સંકટમાંથી બહાર કાઢ્યું હતું. બંન્નેએ પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને શાર્દુલ ઠાકુરે તોડી હતી. તેણે રહમાનને 27 રને બોલ્ડ કર્યો હતો. રહીમે ફરી એકવખત શાનદાર પ્રદર્શન કરતા 42 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. મેચની અંતિમ ઓવરમાં સિરાજે મહેદી હસનને આઉટ કર્યો હતો.
ભારત તરફથી વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ચહલે 4 ઓવરમાં 21 રન આપીને 1 તથા ઠાકુરને 1 સફળતા મળી હતી.
રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત આપી. બંન્નએ પ્રથમ વિકેટ માટે 9.5 ઓવરમાં 70 રનની ભાગીદારી કરી. આ સ્કોર પર ફાસ્ટ બોલર રૂબેલ હુસૈને ભારતને પ્રથમ ઝટકો આપ્યો, તેણે શિખરને 35 રનના અંગસ સ્કોરે બોલ્ડ આઉટ કર્યો હતો. ત્યારબાદ રૈના અને રોહિત શર્માએ મળીને 102 રનની ભાગીદારી કરી હતી. રૈના 30 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 47 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા ફોર્મમાં આવતા તેણે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 61 બોલમાં 5 સિક્સ અને 5 ફોરની મદદથી 89 રન બનાવ્યા હતા. તે અંતિમ બોલે રનઆઉટ થયો હતો.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સુરેશ રૈના, મનીષ પાંડે, રૂષભ પંત, દિનેશ કાર્તિક, વોશિંગટન સુંદર, વિજય શંકર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
બાંગ્લાદેશ ટીમઃ તમિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મહમદુલ્લાહ, મુશ્ફિકુર રહીમ, લિટન દાસ, શબિર રહેમાન, મહેંદી હસન, નુજમલ ઇસ્લામ, રૂબેલ હુસૈન, અબુ હૈદર રોની, મુસ્તફિઝુર રહેમાન.