કોલંબોઃ સતત ત્રણ મેચોમાં જીતથી ઉત્સાહિત ભારત અને આક્રમક મૂડમાં દેખાઇ રહેલા બાંગ્લાદેશ વચ્ચે નિદહાસ ટ્રોફી ટી20 ત્રિકોણીય શ્રેણીની રવિવારે રમાનારી ફાઇનલ મેચ રોમાંચક થવાની સંભાવના છે. ભારતની બીજા સ્તરની ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે બાંગ્લાદેશે મેજબાન ટીમને બે મેચમાં હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે કરો યા મરો મેચમાં બાંગ્લાદેશે લંકાને બે વિકેટે પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ કરતા ભારતની બેટિંગ મજબૂત
શિખર ધવન ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 200 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની મેચમાં 89 રન ફટકારીને ફોર્મ પરત મેળવી લીધુ છે. ભારત પાસે ટી20નો અનુભવી સુરેશ રૈના પણ ટીમમાં છે. આ સિવાય પણ મનીષ પાંડે, દિનેશ કાર્તિક, રાહુલ જેવા ઉપયોગી બેટ્સમેન પણ છે. 


ફાસ્ટ બોલિંગ ભારત માટે ચિંતાનો વિષય
બોલિંગ વિભાગમાં શાર્દુલ ઠાકુર સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. વોશિંગટન સુંદરે ભારત માટે સૌથી સારી બોલિંગ કરી છે. ચહલે પણ ટીમ માટે ઉપયોગી બોલિંગ કરી છે. પરંતુ જયદેવ ઉનડકટ અને સિરાજ મોંઘા સાબિત થયા છે. તેવામાં ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલરો માથાનો દુખાવો બની શકે છે. 


ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. મેચનું સીધુ પ્રસારણ ડી સ્પોર્ટસ, ડીડી સ્પોર્ટસ, રિશ્તે સિનેપ્લેક્સ પર થશે. 


સંભવિત ટીમ
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સુરેશ રૈના, મનીષ પાંડે, રૂષભ પંત, દિનેશ કાર્તિક, વોશિંગટન સુંદર, વિજય શંકર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર. 


બાંગ્લાદેશ ટીમઃ તમિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મહમદુલ્લાહ, મુશ્ફિકુર રહીમ, લિટન દાસ, શબિર રહેમાન, મહેંદી હસન, શાકિબ અલ હસન,  રૂબેલ હુસૈન, અબુ હૈદર રોની, મુસ્તફિઝુર રહેમાન.