નોટિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો ત્રીજો મેચ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજના મેદાન પર રમાઇ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 161 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી સૌથી સફળ બોલર હાર્દિક પંડ્યા રહ્યો હતો. તેણે 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહ અને ઈશાંતને બે-બે તથા શમીને એક સફળતા મળી હતી. ભારતને પ્રથમ ઈનિંગની આધારે 168 રનની લીડ મળી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે કર્યો પ્રથમ દાવમાં 329 રનનો સ્કોર 
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતની ટીમે 94.5 ઓવરમાં 329 રન બનાવીને 10 વિકેટ ગુમાવી ઓલઆઉટ થઇ ગયું છે, પ્રથમ દિવસના અંતે 307 રન બનાવી 6 વિકેટ પડી હતી. જ્યારે બીજા દિવસની શરૂઆતમાં જ ભારતનો ધબડકો થયો હતો. ભારત બેસ્ટમેન ઈંગ્લેન્ડના બોલરો સામે ધ્વસ્ત થયા હતા. જેમાં રિષભ પંત 51 બોલમાં 24 રન કરી બ્રોર્ડના બોલ પર આઉટ થતા ભારતની સાતમી વિકેટ પડી હતી. ત્યાર બાદ બ્રોર્ડના જ બોલ પર અશ્વિન 17 બોલમાં 14 રન કરીને આઉટ થયો હતો, શમી માત્ર 3 જ્યારે બુમરાહ શૂન્ય પર આઉટ થતા અંતે ભારત 329 રન બનાવી ઓલઆઉટ થયું હતું.


પ્રથમ દિવસના અંતે ભારતે બનાવ્યા 307 રન 
ઈંગ્લેન્ડ સામે ભારતે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 87 ઓવરમાં 6 વિકેટે 307 રન બનાવ્યા છે. અંતિમ અને છઠ્ઠી વિકેટ હાર્દિક પંડ્યાની પડી, જે અંગત 18 રને આઉટ થયો હતો. એન્ડરસનના બોલે હાર્દિકે બટલરને કેચ આપી દીધો હતો. પાંચમી વિકેટ તરીકે કેપ્ટન વિરાટ કોહલી આઉટ થયો હતો, જે 97 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. વિરાટ કોહલી પોતાની 18મી અને આ શ્રેણીની બીજી સદી ચૂકી ગયો હતો. ઈંગ્લેન્ડના આદિર રશિદે કોહલીને બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચોથી વિકેટ અજિંક્ય રહાણેની પડી હતી, જે 81 રન બનાવીને સ્ટૂઅર્ટ બ્રોડના બોલ પર એલિસ્ટર કૂકના હાથે કેચઆઉટ થયો હતો. કોહલી અને રહાણેએ ચોથી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી હતી.  




 


વિરાટ કોહલી અને રહાણેની ભાગેદારી મહત્વની રહી 
ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ ક્રિસ વોક્સે લંચ પહેલા પાડી હતી. તેણે ચેતેશ્વર પૂજારાને 14 રને આઉટ કરી દીધો હતો. ભારતીય ટીમને આ સંકટમાંથી બહાર કાઢવામાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની ભૂમિકા મહત્ત્વની રહી. 49મી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીએ આ શ્રેણીની બીજી અડધી સદી ફટકારી હતી. ત્યાર બાદ રહાણેએ પણ ખરાબ ફોર્મમાંથી બહાર આવતાં આ શ્રેણીની પોતાની પ્રથમ અને કારકિર્દીની 13મી અડધી સદી ફટકારી હતી. 


 


ઈંગ્લેન્ડે ભારતીય ટીમ સામે ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રીજી ટેસ્ટમાં કે.એલ. રાહુલ અને શિખર ધવન ઓપનિંગમાં આવ્યા હતા. બંનેએ ટીમને સારી શરૂઆત આપી હતી. આ શ્રેણીમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 60 રનનો સ્કોર પાર કર્યો હતો. બીજી ટેસ્ટમાં બહાર રહેલા શિખર ધવને ત્રીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરી અને રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ક્રિસ વોક્સે ધવનને તેના 35ના સ્કોર પર આઉટ કરી દીધો હતો. તેના થોડા સમય બાદ જ ક્રિસ વોક્સે ઓપનર કે.એલ. રાહુલને પણ 23 રનનાં સ્કોર પર આઉટ કરી દીધો હતો.


શ્રેણીમાં 2-0થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા માટે શ્રેણીને જીવંત રાખવા આ મેચ કોઈ પણ હિસાબે જીતવી પડે એમ છે. ઈંગ્લેન્ડે મેચા હીરો સેમ કરેનના સ્થાને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટીમમાં પાછો લીધો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફાર કર્યા છે. મુરલી વિજય, દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવને બહાર બેસાડાયા છે. મુરલી વિજયના સ્થાને શિખર ધવન, વિકેટકીપર દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને સ્થાન અપાયું છે.  તે ટીમ ઈન્ડિયા તરફથી 291મો ખેલાડી છે, જે ટેસ્ટ મેચ રમશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ પ્લેઈંગ 11માં સ્થાન અપાયું છે. ટ્રેન્ટબ્રિજમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર 1 મેચમાં વિજય મેળવ્યો છે. 


આ મેચમાં પણ હવામાનની ભૂમિકા મુખ્ય રહેશે ઈંગ્લેન્ડના હવામાન વિભાગ મુજબ ત્રીજી ટેસ્ટના પ્રથમ ચાર દિવસમાં વાદળ છવાયેલા રહેશે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર મેચમાં પ્રભાવિત રહી શકે છે. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારમાં હવામાને મોટી ભૂમિકા ભજવી હતી.