Ind vs NZ 3rd ODI: છેલ્લાં કેટલાંક સમયથી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન પહેલાં કરતા ઘણું સુધર્યું છે. દેશમાં મેચ હોય કે વિદેશમાં ભારતીય ક્રિકેટ ટીમ ખુબ સારું પ્રદર્શન કરતી આવી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથો-સાથ હવે આ ટીમમાં સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જેવા શાનદાર ખેલાડીઓ પણ ખુબ સારું યોગદાન આપે છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની આજની વન-ડે મેચ ટીમ ઈન્ડિયાને નંબર વન બનાવી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચ આજે ઇન્દોર ખાતે રમાશે. ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે અને ટીમ આજે જીતે તો કિવિઝનો વનડેમાં ત્રીજીવાર વ્હાઇટવોશ કરશે. 13 વર્ષ પહેલાં ભારતે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં 5-0થી સીરિઝ જીતી હતી. એ પહેલાં 1988માં ટીમે 4 મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું (1 મેચ વરસાદને લીધે કેન્સલ થઈ હતી). ભારત પાસે વનડેમાં વર્લ્ડ નંબર-1 ટીમ બનવાની પણ તક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ભારત આજે મેચ જીતે તો વનડેમાં નંબર-1 ટીમ બની જશે. હાલ ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે, જ્યારે કિવિઝ બીજા અને ભારત ત્રીજા ક્રમે છે. જો કે, ત્રણેયના રેટિંગ પોઇન્ટ એક સમાન – 113 છે. ઇંગ્લેન્ડ ડેસીમલ પોઇન્ટ પછીની ગણતરીના આધારે ટોપ પર છે. ભારત આજે મેચ જીતે તો તેના રેટિંગ પોઇન્ટ 114 થઈ જશે અને નંબર-1 ટીમ બની જશે. ભારત હાલ T20માં વર્લ્ડ નંબર 1 ટીમ છે અને તે સાથે વનડેમાં પણ ટોપ ટીમ બની શકે છે. આજની મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે શરૂ થશે. 


ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ પર હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે. કારણ કે અહીંનું ગ્રાઉન્ડ નાનું છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. અહીં રમાયેલી છેલ્લી 5 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 3 મેચ જીતી છે. અહીં ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર 307 રનનો રહ્યો છે. આજે બેટ બોલને ડોમિનેટ કરે તેવી પ્રબળ સંભાવના છે.


બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 115 વનડે રમાઈ છે. જેમાંથી ભારતે 57 અને ન્યુઝીલેન્ડે 50 મેચ જીતી છે. એક ટાઈ અને 7 મેચ અનિર્ણિત રહી. ભારત ઘરઆંગણે કિવિઓ સામે 37 મેચ રમ્યું છે. તેણે 28માં જીત મેળવી છે. 8 મેચ ગુમાવવી પડી છે અને 1માં રિઝલ્ટ નહોતું આવ્યું. ભારતે ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડમાં 45 વનડે રમી છે. જેમાંથી 14માં જીત અને 26માં હાર થઈ છે. એક ટાઈ હતી, જ્યારે 4માં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતીય ટીમે ન્યુટ્રલ વેન્યુ પર રમાયેલી 33 મેચમાંથી 15 મેચ જીતી છે. તેને 16માં હારનો સામનો કરવો પડ્યો છે. 2માં કોઈ પરિણામ આવ્યું નહોતું.


બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
ભારત:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.


ન્યૂઝીલેન્ડ:
ડ્વેન કોનવે, ફિન એલન, હેનરી નિકોલ્સ, માર્ક ચેપમેન, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, લોકી ફર્ગ્યુસન, હેનરી શિપલી, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી.