સંયોગઃ અંતિમ ઓવરમાં મહિલા અને પુરૂષ ટીમને હતી 16 રનની જરૂર, રોમાંચક મેચમાં બંન્ને હાર્યા
એક દેશ, એક ગ્રાઉન્ડ અને ચાર કલાકની અંદર ભારતીય પુરુષ અને મહિલા ટીમનો પરાજય થયો હતો.
હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડે પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી અહીં સેડન પાર્ક મેદાન પર રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં રવિવારે ટીમ ઈન્ડિયાની પુરૂષ અને મહિલા ટીમને પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ન્યૂઝીલેન્ડની બંન્ને ટીમોએ ટી20 સિરીઝ પોતાના નામે કરી લીધી છે. સંયોગની વાત તે છે કે એક જ દેશ વિરુદ્ધ એક મેદાન પર રમાયેલી મેચમાં ભારતીય મહિલા અને પુરૂષ ટીમોને અંતિમ ઓવરમાં 16 રનની જરૂર હતી.
મહત્વનું છે કે, યજમાન ન્યૂઝીલેન્ડની પુરૂષ ટીમે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ પર 212 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ તેના જવાબમાં 19 ઓવરમાં 6 વિકેટ પર 197 રન બનાવી લીધા હતા. આ રીતે તેને 213ના લક્ષ્યને પાર પાડવા માટે 16 રનની જરૂર હતી. પરંતુ ટીમ 208 રન બનાવી શકી. મહિલા ટીમની જેમ પુરૂષ ટીમ પણ અંતિમ ટી20 મેચ હારી ગઈ હતી.
આજ રીતે મહિલા ક્રિકેટ ટીમ રવિવારે આ મેદાન પર રમાયેલા અત્યંત રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 2 રને હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 162 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 19 ઓવરમાં 4 વિકેટ પર 146 રન બનાવી લીધા હતા. આ રીતે તેને અંતિમ ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી. ક્રીઝ પર મિતાલી રાજ અને દીપ્તિ શર્મા હતા. આ બંન્ને બેટ્સમેનો અંતિમ ઓવરમાં 13 રન બનાવી શક્યા. આ રીતે ભારત મેચ હારી ગયું હતું.