INDvsNZ: ભારતની હાર પર તેંડુલકરનું નિવેદન- માત્ર રોહિત અને કોહલી પર નિર્ભર ન રહી શકો
તેંડુલકરે ભારતીય બેટ્સમેનો દ્વારા 240ના લક્ષ્યને મોટો બનાવવા માટે તેની ટીકા પણ કરી હતી.
માન્ચેસ્ટરઃ વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમે 18 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હાર છતાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે એમએસ ધોની અને જાડેજાના પ્રદર્શનનના પણ વખાણ કર્યાં, પરંતુ તેમણે કહ્યું કે, ભારતીય બેટિંગ પરિણામ માટે હંમેશા પોતાના ટોપ ક્રમ પર નિર્ભર ન રહી શકે. તેંડુલકરે ભારતીય બેટ્સમેનો દ્વારા 240ના લક્ષ્યને મોટો બનાવવા માટે તેની ટીકા પણ કરી હતી.
તેંડુલકરે કહ્યું, 'હું નિરાશ છું, કારણ કે આપણે કોઈપણ શંકા વિના 240 રનનો લક્ષ્ય હાસિલ કરવાની જરૂર હતી. આ મોટો સ્કોર નહતો. પરંતુ ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં ત્રણ વિકેટ ઝડપીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ મને લાગે છે કે આપણે હંમેશા સારી શરૂઆત માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નિર્ભર ન રહેવું જોઈએ. તેની સાથે રમી રહેલા ખેલાડીઓએ પણ વધુ જવાબદારી લેવી પડશે.'
મહત્વનું છે કે, ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 239 રનનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 92 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ધોની અને જાડેજાએ સદીની ભાગીદારી કરી ટીમને સંભાળી હતી. તેના પર પણ સચિન તેંડુલકરે વાત કરી હતી. તેમણે કહ્યું, તે યોગ્ય નથી કે દરેક મેચમાં ધોની પાસે મેચ ફિનિશ કરવાની આશા રાખવામાં આવે. તે વારંવાર આ કામ કરતો આવ્યો છે. તેંડુલકરે ન્યૂઝીલેન્ડની બોલિંગની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કીવી બોલરોએ વધુ અલગ કરવાનો પ્રયત્ન ન કર્યો. તેણે યોગ્ય જગ્યાએ બોલિંગ કરી અને વિકેટ મેળવી.
મહત્વનું છે કે, આ જીતની સાથે ન્યૂઝીલેન્ડ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે તેનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થવાની છે.