IND vs SL: જીતની ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા, મેચ ટાઈ છતાં સુપર ઓવર કેમ નહીં? જાણો ICCનો નિયમ
પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 230 રન કર્યા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પણ 47.5 ઓવરોમાં 230 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. મેચ રોમાંચક મોડ પર આવીને ટાઈ થઈ ગઈ. જો કે ક્રિકેટ પ્રેમીઓના મગજમાં એક સવાલ ચકરાયા કરે છે કે આખરે મેચ ટાઈ થઈ તો સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? જાણો નિયમ શું કહે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાયેલી પહેલી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું અને મેચ ટાઈ રહી. પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 230 રન કર્યા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પણ 47.5 ઓવરોમાં 230 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. મેચ રોમાંચક મોડ પર આવીને ટાઈ થઈ ગઈ. જો કે ક્રિકેટ પ્રેમીઓના મગજમાં એક સવાલ ચકરાયા કરે છે કે આખરે મેચ ટાઈ થઈ તો સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? અત્રે જણાવવાનું કે ટી20 સિરીઝની છેલ્લી મેચમાં સુપર ઓવર કરાવવામાં આવી હતી અને એ મેચ ભારત જીતી ગયું હતું. અહીં આઈસીસીના નિયમ જાણવા જરૂરી છે. સુપર ઓવર કેમ કરાવવામાં ન આવી તે અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નો શું નિયમ છે?
શું છે વનડેમાં સુપર ઓવરનો નિયમ?
આઈસીસીના નિયમ મુજબ સુપર ઓવરનો નિયમ વનડેની દ્વિપક્ષીય સિરીઝમાં લાગૂ પડતો નથી. જ્યારે ટી20 ફોર્મેટમાં દ્વિપક્ષીય સિરીઝમાં સુપર ઓવર કરાવી શકાય છે. વનડેમાં તે ફક્ત મોટી ટુર્નામેન્ટ્સમાં જ લાગૂ પડે છે. એટલે કે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં જ્યારે મેચનું પરિણામ કાઢવાનું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ટીમોના પોઈન્ટ્સ આપવામાં આવતા હોય છે. નોકઆઉટ કે નિર્ણાયક મેચોમાં એક એક પોઈન્ટની કિંમત હોય છે. આવામાં તેનું મહત્વ વધી જાય છે. આઈસીસીની પ્લેઈંગ કન્ડિશનમાં આ નિયમ જણાવવામાં આવ્યો છે.
ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા
અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયા પહેલી વનડેમાં જીત સુધી પહોંચી ગઈ હતી. શિવમ દુબે અને મોહમ્મદ સિરાજે મળીને ટીમ ઈન્ડિયાનો સ્કોર બરાબરી પર લાવીને મૂકી દીધો હતો. પરંતુ 48મી ઓવરમાં દુબે ચરિથ અસલાંકાની બોલિંગમાં એલબીડબલ્યુ થઈ ગયો. ત્યારબાદ ભારતને જીત માટે એક રનની જરૂર હતી પરંતુ અર્શદીપ સિંહ બીજા જ બોલે આઉટ થઈ ગઓ. આમ ભારતીય ટીમ હાથમાં આવેલી મેચ ગુમાવી બેઠી. હવે બીજી મેચ 4 ઓગસ્ટના રોજ આ જ મેદાન પર રમાશે.