Asian Games 2023: ભાલા ફેંકમાં ભારતીય એથલીટોનો કમાલ, નીરજ ચોપડાને ગોલ્ડ, કિશોર જેનાએ જીત્યો સિલ્વર મેડલ
એશિયન ગેમ્સમાં આ વખતે ભારતીય એથલીટો ઐતિહાસિક પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતે આ વખતે 80 મેડલ જીતીને પોતાના તમામ રેકોર્ડ તોડી દીધા છે. હવે નીરજ ચોપડા અને કિશોર જેનાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ કબજે કર્યો છે.
હોંગઝાઉઃ એશિયન ગેમ્સમાં ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ કબજે કરી લીધો છે. નીરજે એશિયન ગેમ્સ 2018માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વખતે ચીનમાં પોતાનો ગોલ્ડ મેડલ ડિફેન્ડ કર્યો છે. આ સાથે જેવલીન થ્રોમાં ભારતને સિલ્વર મેડલ પણ મળ્યો છે. ભારતના કિશોર જેનાએ સિલ્વર મેડલ કબજે કર્યો છે. એટલે કે એક ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે.
નીરજ અને કિશોર જેનાનો થ્રો
નીરજ ચોપડાએ કમાલ કરતા 88.88 મીટરનો થ્રો કર્યો હતો. જ્યારે ભારતના કિશોર જેના 87.54 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. એક સમયે કિશોર જેના નીરજ કરતા આગળ નીકળી ગયો હતો. પરંતુ ત્યારબાદ નીરજે શાનદાર વાપસી કરતા 88.88 મીટરનો થ્રો કર્યો હતો.
મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને
ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 80 મેડલ જીત્યા છે. ભારતે 17 ગોલ્ડ સિવાય 31 સિલ્વર મેડલ અને 32 બ્રોન્ઝ મેડલ કબજે કર્યાં છે. તો ચીન પ્રથમ સ્થાને છે. ચીને 166 ગોલ્ડ સહિત 300થી વધુ મેડલ કબજે કર્યાં છે. જ્યારે બીજા સ્થાને રહેલા જાપાને 34 ગોલ્ડ સહિત 135 મેડલ પર કબજો કર્યો છે. ત્યારબાદ ત્રીજા સ્થાને સાઉથ કોરિયા છે. સાઉથ કોરિયાએ 32 ગોલ્ડ સહિત કુલ 142 મેડલ જીત્યા છે.
આજે ભારતે જીતેલા મેડલ
મંજુ રાની અને રામ બાબુ (35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટ): બ્રોન્ઝ
જ્યોતિ વેનમ ઓજસ દેવતલે (કમ્પાઉન્ડ તીરંદાજી: મિશ્ર ટીમ ઇવેન્ટ): ગોલ્ડ
અનાહત સિંઘ- અભય સિંઘ (સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ): બ્રોન્ઝ
પરવીન હુડા (બોક્સિંગ 54-57 કિગ્રા): બ્રોન્ઝ
લોવલિના બોર્ગોહેન (બોક્સિંગ 66-75 કેજી): સિલ્વર
સુનિલ કુમાર (રેસલિંગ) બ્રોન્ઝ મેડલ
હરમિલન બૈંસ (800 મીટર રેસ) સિલ્વર મેડલ
અવિનાશ સાબલે (5000 મીટર રેસ) સિલ્વર મેડલ
વુમન (4x400 રીલે રેસ) સિલ્વર મેડલ
નીરજ ચોપડા (જેવલીન થ્રો) ગોલ્ડ મેડલ
કિશોર જેના (જેવલીન થ્રો) સિલ્વર મેડલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube