આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે મોટું અપડેટ આવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં. પોતાની મેચો શ્રીલંકા કે દુબઈમાં યોજવાની માંગણી કરી શકે છે. ભારતીય ક્રિકેટ  કંટ્રોલ બોર્ડના સોર્સે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. અત્રે જણાવવાનું કે વર્ષ 2025 ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરવાનું છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાના મેચ લાહોરમાં આયોજિત કરવાનું ડ્રાફ્ટ શિડ્યુલ પણ આઈસીસીને સોંપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હજુ સુધી ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા પર કોઈ અધિકૃત નિવેદન કોઈનું સામે આવ્યું નથી. પરંતુ હવે એક રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાય તેવી સંભાવના નહિવત છે. એટલે સુધી કે બીસીસીઆઈ તરફથી આસીસીને એક માંગણી પણ કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને બીસીસીસાઈના સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ 2025 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. બીસીસીઆઈ આઈસીસીને દુબઈ કે શ્રીલંકામા મેચનું આયોજન કરવા માટે કહેશે. 


આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે એશિયા કપ 2023ની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ હાઈબ્રિડ મોડલ  હેઠળ પાકિસ્તાનમાં આયોજિત કરવી પડી શકે છે. એટલે સુધી કે બીસીસીઆઈ સચિવ જય શાહે ટી20 વર્લ્ડ કપ 2024 બાદ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં પણ એ વાતની પુષ્ટિ કરી નહતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં. જો કે જય શાહે એ વાતની પુષ્ટિ જરૂર કરી છે કે ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માના નેતૃત્વમાં રમશે. 



જય શાહે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન અને બીસીસીઆઈના સચિવ તરીકે જ્યારે એ વાતની પુષ્ટિ કરી હતી કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય ત્યારે આવામાં પીસીબીએ હાઈબ્રિડ મોડલનું સૂચન આપ્યું હતું. જેને ભારતીય ક્રિકેટ બોર્ડે સ્વીકારી લીધુ હતું. ફાઈનલ સહિત ઈન્ડિયા અને અન્ય ટીમોની મોટાભાગની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી અને કેટલીક મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી. આવામાં હવે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પણ કઈક આવું હોઈ શકે છે. 


પીસીબીનો ડ્રાફ્ટ પ્રસ્તાવ
પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી)એ આઈસીસીને જે તારીખો અને સ્થળો વિશે પ્રસ્તાવિત ફિક્સ્ચર સૂચિ મોકલી છે તે આ મુજબ છે. જે મુજબ આઠ ટીમોની આ ટુર્નામેન્ટ ત્રણ સ્થળો પર આયોજિત થશે. જેમાં કરાચી, રાવલપિંડી અને લાહોરમાં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી મેચ રમાશે. 19 ફેબ્રુઆરીએ શરૂ થશે જ્યારે 9 માર્ચના રોજ ફાઈનલ રમાશે. 50 ઓવરના ફોર્મેટવાળી આઈસીસી ઈવેન્ટ 8 વર્ષ બાદ વાપસી કરી રહી છે. તેમાં ગત વર્ષના વનડે વિશ્વકપની ટોચની આઠ ટીમો સામેલ થશે. આઠ ટીોને ચારના બે સમૂહોમાં વિભાજિત કરાશે. જેમાં પ્રત્યેક સમૂહથી ટોચની બે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. મેજબાન પાકિસ્તાન ગ્રુપ-એમાં કટ્ટર હરીફ ભારત, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે છે. જ્યારે ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. 


ભારતની મેચો ક્યારે
પ્રસ્તાવિત શિડ્યુલ પ્રમાણે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ફેબ્રુઆરીએ લાહોરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કરવાનું છે. જ્યારે એક દિવસ પહેલા મેજબાન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે ટુર્નામેન્ટની શરૂઆત કરશે. કાર્યક્રમ મુજબ ભારતની તમામ મેચો લાહોરમાં રાખવામાં આવેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચના રોજ મેચ રમાશે જ્યારે તે પહેલા 23 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે રમવા ઉતરશે. એવા પણ રિપોર્ટ્સ છે કે જો ભારત અંતિમ ચારમાં પહોંચે તો તેની સેમીફાઈનલ લાહોરમાં રખાશે. રાઉન્ડ-રોબિન ચરણ 2 માર્ચના રોજ પૂરું થશે જ્યારે બે સેમી ફાઈનલ ક્રમશ: 5 અને 6 માર્ચે કરાચી અને રાવલપિંડીમાં રમાશે. ફાઈનલ મેચ લાહોરમાં રમાશે.