ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ BCCIએ બતાવી કડકાઈ, દિવાળી પર રોહિત-વિરાટ સહિત સમગ્ર ટીમને આપ્યો આંચકો
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 0-2થી પાછળ ચાલી રહી છે. ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે સિરીઝનો ત્રીજો મુકાબલો મુંબઈમાં રમાશે.
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝના પ્રથમ બે મુકાબલામાં રોહિત સેનાએ હારનો સામનો કરવો પડ્યો છે. હવે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈમાં રમાશે. આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી ગઈ છે. સિરીઝની ત્રીજી મેચ 1 નવેમ્બરથી રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મુકાબલો જીતી ક્લીન સ્વીપથી બચવું પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની દ્રષ્ટિએ પણ આ મેચ ખુબ મહત્વની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એક ઝટકો લાગ્યો છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લાગ્યો ઝટકો
બંને ટીમો વચ્ચે 1 નવેમ્બરથી શરૂ થનાર ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. રિપોર્ટ્સ અનુસાર ટીમ મેનેજમેન્ટે બધા ખેલાડીઓ માટે ઓપ્શનલ ટ્રેનિંગ સેશનની જગ્યાએ ફરજીયાત ટ્રેનિંગ સેશન રાખવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમના ખેલાડી 30 અને 31 ઓક્ટોબરે પ્રેક્ટિસ કરશે. બધા ખેલાડીઓએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લેવો પડશે. એટલે કે દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને રજા મળશે નહીં.
આ પણ વાંચોઃ પાકિસ્તાને કેપ્ટન વગર જાહેર કરી ટી20 અને વનડે ટીમ, ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ
ન્યૂઝીલેન્ડે ખતમ કર્યો 12 વર્ષનો દબદબો
ન્યૂઝીલેન્ડની ટીમે આ સિરીઝ પોતાના નામે કરી ભારતીય ટીમનો 12 વર્ષનો દબદબો ખતમ કર્યો છે. ટીમ ઈન્ડિયા છેલ્લે દેશમાં ઈંગ્લેન્ડ સામે 2012માં ટેસ્ટ સિરીઝ હારી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા કોઈ સિરીઝ હારી નહીં, પરંતુ 27 ઓક્ટોબરે આ રેકોર્ડ પર બ્રેક વાગી હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ હાર બાદ નિરાશ જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટમાં ભારતીય બેટરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેવામાં પ્રેક્ટિસ સત્રમાં ખેલાડીઓ બેટિંગ પર ધ્યાન આપશે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટથી તો બીજી ટેસ્ટમાં 113 રનથી હારનો સામનો કર્યો હતો.