ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ ખેલાડીનો ચોંકાવનારો નિર્ણય, લીધી નિવૃત્તિ
Varun Aaron Retirement: ટીમ ઈન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા વરૂણ આરોને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 35 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું છે.
Varun Aaron Retirement Team India: ભારતીય ક્રિકેટર વરૂણ આરોને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે માત્ર 35 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું છે. વરૂણે ભારત માટે 9 વનડે અને 9 ટેસ્ટ મેચ રમી હતી. તે પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો હતો. વરૂણ આરોનનો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારો રેકોર્ડ રહ્યો છે. તે ઘરેલું ક્રિકેટમાં ઝારખંડ તરફથી રમતો હતો. વરૂણે ઝારખંડ માટે અંતિમ મેચ 5 જાન્યુઆરી 2025ના ગોવા વિરુદ્ધ રમી હતી.
વરૂણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેના દ્વારા તેણે ક્રિકેટને અલવિદા કહ્યું છે. વરૂણે લખ્યું- હું છેલ્લા 20 વર્ષથી ફાસ્ટ બોલિંગને જીવી રહ્યો છું. હું આજે સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરૂ છું. મારા માટે આ સફર ભગવાન, પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ફેન્સ વગર સંભવ નહોતી. હું બીસીસીઆઈ અને જેએસસીએનો પણ આભાર માનું છું.
વરૂણનું આવું રહ્યું છે બોલિંગ કરિયર
વરૂણ આરોન પોતાની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો રહ્યો છે. તેણે ભારત માટે નવેમ્બર 2011માં ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. જ્યારે 2015માં અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. વરૂણે ઓક્ટોબર 2011માં વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. જ્યારે છેલ્લી મેચ 2014માં રમી હતી. વરૂણ ભારત માટે 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ ઝડપી ચૂક્યો છે. જ્યારે 9 વનડે મેચમાં 11 વિકેટ તેના નામે છે.
ટીમ ઈન્ડિયામાંથી થયો હતો ડ્રોપ
ભારતીય ટીમ જલ્દી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી શરૂ કરશે. તે માટે હજુ ટીમની જાહેરાત થઈ નથી. જો વરૂણ આરોનની વાત કરીએ તો તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો હતો. વરૂણના નામે લિસ્ટ એની 88 મેચમાં 141 વિકેટ છે. જ્યારે ફર્સ્ટ ક્લાસમાં તેણે 173 વિકેટ ઝડપી છે.