એશિયાડ પુરૂષ હોકીઃ ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને જીત્યો બ્રોન્ઝ મેડલ
આકાશદીપ સિંહ અને હરમનપ્રીત સિંહના ગોલની મદદથી ભારતીય પુરૂષ હોકી ટીમે શનિવારે પાકિસ્તાનને 2-1થઈ હરાવીને 18મી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
જકાર્તાઃ 18મી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો છે. એશિયન ગેમ્સમાં ભારતના કુલ 69 મેડલ (15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ) થઈ ગયા છે. આ મુકાબલામાં ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાવ બનાવ્યો અને ગોલ કરવાની કોઈ તક ન આપી. મેચના ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાની ટીમે 1 ગોલ જરૂર કર્યો, પરંતુ તે ભારત સાથે બરોબરી કરવાથી દૂર રહ્યું હતું.
ભારત માટે આકાશદીપ (ત્રીજી મિનિટ) અને હરમનપ્રીત (50મી મિનિટ) ગોલ કર્યો. જ્યારે પાકિસ્તાન તરફથી ેકમાત્ર ગોલ અતીક અહમદે કર્યો હતો. પાકિસ્તાનની ટીમને મેચમાં ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ ભારતીય ડિફેન્સે તેના ગોલ કરવાથી વંચિત રાખ્યા હતા. ભારતીય ટીમને આ મેચમાં માત્ર બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, જેમાંથી તેણે એક ગોલ કર્યો હતો.
સેમીફાઇનલમાં ભારતનો મલેશિયા સામે અને પાકિસ્તાનનો જાપાન સામે પરાજય થયો હતો. જેથી બંન્ને ટીમ બ્રોન્ઝ મેડલ માટે એકબીજા સામે ટકરાઈ હતી. જેમાં ભારતે બાજી મારી લીધી હતી.