પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Manu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
પેરિસઃ ભારતે પેરિસ ઓલિમ્પિક-2024માં પ્રથમ મેડલ જીતી લીધો છે. શુટિંગમાં ભારતની મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મહિલા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ભારતને પેરિસ ઓલિમ્પિક-2024ના બીજા દિવસે પ્રથમ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટનો ગોલ્ડ અને સિલ્વર મેડલ સાઉથ કોરિયાએ જીત્યો છે.
12 વર્ષ બાદ શૂટિંગ ઈવેન્ટમાં જીત્યો મેડલ
ભારતને 12 વર્ષ બાદ શૂટિંગ ઈવેન્ટમાં કોઈ મેડલ મળ્યો છે. મનુ ભાકરે આખરે 12 વર્ષ બાદ ભારતને શૂટિંગ ઈવેન્ટમાં મેડલ અપાવ્યો છે. ભારતે છેલ્લે 2012 ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીત્યો હતો. ત્યારે ગગન નારંગને લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
મનુ ભાકરની સિદ્ધિઓ
મનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા છે. તેણે 2023માં 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય તેને 2022માં આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો હતો. મનુ ISSF વર્લ્ડ કપ 2019માં બે ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. તેણે 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2018માં મનુના નામે ગોલ્ડ મેડલ છે. આ સિવાય તેણે યુથ ઓલિમ્પિક 2018માં ગોલ્ડ મેડલ જીત્યો છે.