INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ત્રીજીવાર હરાવ્યું, આ રહ્યાં જીતના 5 હીરો
ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટેસ્ટ મેચમાં 137 રનથી હરાવીને ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ રવિવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રીજી ટેસ્ટ જીતી લીધી હતી. તેણે મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં યજમાન ટીમને 137 રને પરાજય આપ્યો હતો. ભારત ત્રીજીવાર મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ પહેલા 1978 અને 1981મા ભારત અહીં જીત્યું હતું. આ સાથે ભારતીય ટીમ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. મેલબોર્નમાં ભારતની જીતના 5 હીરો...
મયંક અગ્રવાલનો ગોલ્ડન ડેબ્યૂ
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી આ સિરીઝના પ્રથમ બે ટેસ્ટ મેચોમાં ભારતના ઓપનર નિષ્ફળ રહ્યા હતા. આ કારણે ત્રીજી ટેસ્ટમાં ભારતે વિજય અને રાહુલને બહાર કરીને મયંક અગ્રવાલ અન હનુમા વિહારી પાસે ઈનિંગની શરૂ કરાવી હતી. 27 વર્ષના મયંકે પ્રથમ ઈનિંગમાં 76 અને બીજી ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા. તે બીજી ઈનિંગમાં ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. આ બંન્ને ઓપનરોએ ભારતને સારી શરૂઆત અપાવી હતી.
પૂજારાની સદી અને જીત પાક્કી
ચેતેશ્વર પૂજારાએ ફરી એક વખત સદી ફટકારીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. પૂજારાએ મયંક સાથે 83 અને વિરાટ સાથે 170 રનની મહત્વની ભાગીદારી કરી હતી. તેણે આ ઈનિંગ દરમિયાન 53 ઓવર બેટિંગ કરી હતી. તેની આ ઈનિંગ બીજા બેટ્સમેનોનું કામ સરળ કરી દીધું હતું. પૂજારાએ એડિલેડ ટેસ્ટમાં પણ સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
રનમશીન કોહલીની આક્રમક આગેવાની
વિરાટ કોહલી ત્રણ વર્ષથી વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ફરી એકવાર મેલબોર્ન ટેસ્ટમાં 82 રનની ઈનિંગ રમી હતી. તેણે પૂજારા સાથે મજબૂત ભાગીદારી કરી હતી. આ મેચમાં વિરાટને ટીમને વિજય અપાવવા આક્રમક રણનીતિ પણ બનાવી હતી. તેની આગેવાનીએ ઓસ્ટ્રેલિયાની વાપસીનો રસ્તો બંધ કરી દીધો હતો. તેણે બંન્ને આઉટઓફ ફોર્મ ચાલી રહેલા ઓપનરોને પણ બહાર કરીને નવા ઓપનરોને તક આપી હતી. આ સિવાય અંતિમ-11મા જાડેજાને પણ સ્થાન આપ્યું હતું.
બુમરાહની શાનદાર બોલિંગ
ભારતીય બોલર જસપ્રીત બુમરાહે મેચમાં 9 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને 151 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. તો બીજી ઈનિંગમાં પણ 3 વિકેટ ઝડપી હતી. એક વર્ષ પહેલા તે વનડેનો સ્પેશિયાલિસ્ટ બોલર હતો. પરંતુ તેણે એક વર્ષમાં ટેસ્ટ મેચોમાં પણ ધમાકેદાર બોલિંગ કરી છે. તેણે આ વર્ષે કુલ 9 મેચોમાં 47 વિકેટ ઝડપી છે.
જાડેજાનું ડ્રીમ કમબેક
જાડેજાને આ સિરીઝમાં પ્રથમવાર રમવાની તક મળી હતી. તેણે ફાયદો ઉઠાવતા પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તે આ મેચમાં બુમરાહ અને કમિન્સ બાદ સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો છે. અશ્વિનને ઈજા થતાં જાડેજાને તક આપવામાં આવી હતી. તે પ્રથમ બે ટેસ્ટ દરમિયાન ટીમમાંથી બહાર હતો.