INDvsSA ક્રિકેટ સિરીઝ : ભારતીય ટીમ આગામી 6 મહિનામાં છ ટીમો સામે રમશે 36 મેચ, જુઓ કાર્યક્રમ

ભારતીય ક્રિકટ ટીમ આગામી છ મહિનામાં સૌથી વધુ ટી-20 મેચ રમનાર છે. આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે આ સિરીઝને જોવાઇ રહી છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ અમેરિકા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં શાનદાર દેખાવ કરીને પરત ફરવાની તૈયારીમાં છે. વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ અજેય રહેનાર ભારતીય ટીમ હવે 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ સિરીઝ રમશે. ભારતીય ટીમ આગામી છ મહિના દરમિયાન એકદમ વ્યસ્ત છે. આ દરમિયાન છ ટીમો વિરૂધ્ધ 36 મેચ રમશે. જેમાં 26 મેચ ભારતમાં રમાશે. બાકીની અન્ય 10 મેચ વિદેશમાં રમાશે.
ભારતીય ટીમ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા (India vs South Afrika) સાથે ટી20 અને ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝ દરમિયાન વનડે મેચ નહીં રમાય. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવશે. બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ત્રણ ટી20 મેચ અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. દક્ષિણ આફ્રિકાની જેમ બાંગ્લાદેશની ટીમ પણ ભારત પ્રવાસે વન ડે મેચ નહીં રમે.
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ
બાંગ્લાદેશ બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં તે ડિસેમ્બરમાં ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. વેસ્ટ ઇન્ડિઝ બાદ ઝિમ્બાબ્વેની ટીમ ભારત પહોંચશે. તે જાન્યુઆરી 2020માં ભારત સામે ત્રણ ટી20 મેચની સિરીઝ રમશે. ઝિમ્બાબ્વે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. આ ઘણો ટૂંકો પ્રવાસ હશે અને તે જાન્યુઆરીમાં ત્રણ વન ડે મેચ રમી સ્વદેશ પરત ફરશે.
ફેબ્રુઆરી 2020 માં રમાશે પૂર્ણ સિરીઝ
ભારતીય ટીમ આ બાદ ફેબ્રુઆરી 2020 માં ન્યૂઝીલેન્ડ પ્રવાસે જશે. તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ, 3 વન ડે અને 5 ટી20 મેચની સિરીઝ રમશે. છ મહિનામાં પહેલી સિરીઝ હશે કે જેમાં વન ડે, ટી20 અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં મેચ રમાશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી પરત ફર્યા બાદ માર્ચમાં દક્ષણિ આફ્રિકા વિરૂધ્ધ ત્રણ વન ડે મેચની સિરીઝ રમશે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV